Ahmedabad News: અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નવરાત્રી દરમિયાન શહેરમાં સરળ વાહનવ્યવહાર જાળવી રાખવા માટે એક નવી અને અનોખી પદ્ધતિ અપનાવી છે. પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં આવેલા મુખ્ય ચાર રસ્તા પર જુદી જુદી 10 જગ્યાએ ખાસ 8 ફૂટ ઊંચા વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રયોગ અસરકારક નીવડશે તો આગામી દિવાળીના તહેવારોમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
ઊંચાઈથી વાહનો પર નજર રખાશે, લાઉડ સ્પીકરથી નિયમન
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ચાલુ વર્ષે નવરાત્રી પર્વમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે હજારો પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ લગભગ 8 ફૂટ ઊંચા ટાવર પર એક ટ્રાફિક જવાન તૈનાત રાખવામાં આવશે. આ જવાન ઊંચાઈ પરથી વાહનો પર સરળતાથી નજર રાખી શકશે અને સુચારુ રીતે ટ્રાફિકનું સંચાલન કરવામાં મદદરૂપ બનશે. આ ઉપરાંત, ટાવર પરથી પોલીસ જવાન લાઉડ સ્પીકર દ્વારા વિવિધ ટ્રાફિક નિયમો બોલીને વાહનચાલકોનું ધ્યાન દોરશે અને તેમને જાગૃત કરશે.
પશ્ચિમ વિસ્તારમાં 8 અને પૂર્વ વિસ્તારમાં 2 વોચ ટાવર તૈનાત
અમદાવાદ શહેરમાં ખાસ કરીને પશ્ચિમ ભાગમાં વાહનોનું ભારણ વધુ રહેતું હોવાથી મુખ્ય ચાર રસ્તાઓને ધ્યાનમાં રાખીને કુલ 8 વોચ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક સંચાલન માટે 2 વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.
કયા કયા સ્થળોએ વોચ ટાવર ઊભા કર્યા?
- પશ્ચિમ વિસ્તાર: હેલમેટ ચાર રસ્તા, કર્ણાવતી ક્લબ નજીક, સિંધુભવન પાસે બોડકદેવ, તાજ હોટલ સર્કલ અને ઈસ્કોન ચાર રસ્તા.
- પૂર્વ વિસ્તાર: નરોડા, નિકોલ અને નારોલ જેવા વિસ્તારો.
પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વિશેષ પહેલ
પશ્ચિમ ટ્રાફિક DCP બી. આર. પટેલે જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ખાસ પહેલ કરવામાં આવી છે. હાલમાં આ પ્રાયોગિક આયોજન ફક્ત નવરાત્રી પૂરતું સીમિત રાખવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન મળનારા પરિણામો અને સફળતાના આધારે આગામી તહેવારોમાં આ સિસ્ટમનો ઉપયોગ ચાલુ રાખવો કે નહીં તેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
