નવરાત્રી પહેલા અમદાવાદીઓને મોટી રાહત: કર્ણાવતી-YMCA રોડ શનિવારથી ફરી ખુલશે, ટ્રાફિકમાંથી મળશે 'મુક્તિ'

આગામી નવરાત્રીના પર્વમાં થતા ટ્રાફીકને ધ્યાને રાખી કર્ણાવતી-YMCA રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 09 Oct 2026 07:55 AM (IST)Updated: Fri, 09 Oct 2026 07:55 AM (IST)
ahmedabad-karnavati-ymca-road-reopens-saturday-navratri-traffic-relief-on-sg-highway
Ahmedabad Karnavati-YMCA Road

Ahmedabad Karnavati-YMCA Road: અમદાવાદમાં નવરાત્રી પહેલાં કર્ણાવતી ક્લબ સર્કલથી YMCA સુધીનો 1.5 કિમીનો રોડ વાહન વ્યવહાર માટે શનિવારે ખુલશે. એસ.જી. હાઈવે, સિંધુભવન અને એસ.પી. રિંગ રોડ પર ટ્રાફિક નિયમન માટે 2 હજારથી વધુ જવાનો તૈનાત રહેશે. આ રોડ ફરીથી શરૂ થતા શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળે તેવી આશા છે.

કર્ણાવતી-YMCA રોડ શનિવારે ફરી ખુલશે

અમદાવાદ શહેરમાં નવરાત્રિ પહેલાં કર્ણાવતી ક્લબ સર્કલથી YMCA સુધીનો દોઢ કિમીનો રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી બ્રિજ અને રોડ નિર્માણની કામગીરીને કારણે બંધ આ માર્ગ વાસ્તવમાં દિવાળી સુધીમાં ખુલવાનો હતો. પરંતુ તંત્ર દ્વારા ઝડપથી કામ પૂર્ણ કરીને નવરાત્રીના ઉત્સવ પહેલાં જ શનિવારે તેને શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ રોડ પરથી દરરોજ આશરે દોઢથી બે લાખ વાહનો પસાર થાય છે, જેથી રોડ ખુલ્લો થતાં જ વાહનચાલકોને ભારે ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે. હાલમાં એસ.જી. હાઈવે પર કર્ણાવતીથી YMCA સુધીનો રોડ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

હાઈવે આસપાસ 56 સ્થળે ગરબાનું આયોજન

એસ.જી. હાઈવેની આસપાસ આવેલા સિંધુભવન, બોપલ, શેલા અને ભાડજ જેવા વિસ્તારોમાં કુલ 56 સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય રોડની કામગીરી પૂર્ણ થતાં નવરાત્રી દરમિયાન દર વર્ષની જેમ ખેલૈયાઓ ટ્રાફિકમાં ફસાશે નહીં.

નવરાત્રી દરમિયાન ટ્રાફિક નિયમન જાળવી રાખવા માટે ટ્રાફિક પોલીસે કમર કસી છે. એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી. રિંગ રોડ સહિતના તમામ મુખ્ય ચાર રસ્તા પર ખાસ પોઈન્ટ ઊભા કરી ટ્રાફિક પોલીસ અને TRB ના 2 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવશે.

ગરબા સ્થળોની આસપાસના સર્વિસ રોડને ‘નો પાર્કિંગ ઝોન' પણ જાહેર કરવામાં આવી શકે છે. એસ.પી. રિંગ રોડ પર શેલા પાટિયા પાસે આવેલ એસી ડોમ ગરબા નજીક સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સર્વિસ રોડ પર ખાડા અને ખોદકામ યથાવત

એક તરફ મુખ્ય રોડ શરૂ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ એસ.જી. હાઈવેના સર્વિસ રોડ પર સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. શહેરમાં 3 દિવસમાં 27 ખાડા પૂરવાના દાવા વચ્ચે એસ.જી. હાઈવેના સર્વિસ રોડ પર હજુ સુધી ખાડા પૂરાયા નથી.

વીઆઈપી રોડ અને શેલા: VIP રોડથી મુમતપુરા તરફ જવાના રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે રોડની કામગીરીને લીધે ખેલૈયાઓ ટ્રાફિકમાં ફસાઈ શકે છે.

ક્લબ07 ગેટ પાસે અવરોધ: શેલા ખાતે આવેલા Club 07 ના ગેટ પાસે જ રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેથી ગરબા રમવા આવનારા ખેલૈયાઓને હાલાકી ભોગવવી પડી શકે છે.