અમદાવાદના બાઈકચાલકને 19 વર્ષે મળ્યો ન્યાય, નોટપેડ મારનાર ટ્રાફિક કોન્સ્ટેબલ દોષિત; ગ્રામ્ય કોર્ટે ફટકાર્યો દંડ

વર્ષ 2007માં અંધજન મંડળ ચાર રસ્તા પાસે આ સમગ્ર બનાવ બન્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 16 Jun 2026 08:22 AM (IST)Updated: Tue, 16 Jun 2026 08:22 AM (IST)
ahmedabad-traffic-police-constable-convicted-for-hit-biker-and-compensation

Ahmedabad Legal News: વર્ષ 2007માં અમદાવાદના અંધજન મંડળ ચાર રસ્તા પાસે હેલમેટ વગર જઈ રહેલા બાઈક ચાલકને રોકવા માટે ટ્રાફિક કોન્સ્ટેબલે તેના ચહેરા પર લેટર પેડ મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. બાઈકચાલકે આ અંગે ટ્રાફિક જવાન સામે કેસ કર્યો, જેના 19 વર્ષ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તત્કાલીન ટ્રાફિક કોન્સ્ટેબલ લાલજી મકવાણાને માર મારવા અને નુકશાન પહોંચાડવાના ગુનામાં દોષિત ઠેરવ્યા છે.

ટ્રાફિક કોન્સ્ટેબલે બાઈકચાલકને માર્યું નોટપેડ

આ કેસ અંગે મળતી માહિતી અનુસાર, 19 નવેમ્બર 2007ના રોજ મનીષભાઈ નામનો યુવક પોતાની બહેનને બાઈક પર પાછળ બેસાડીને જઈ રહ્યો હતો. હેલ્મેટ ન પહેર્યું હોવાથી ટ્રાફિક કોન્સ્ટેબલ લાલજી મકવાણાએ તેમને ઊભા રહેવા ઈશારો કર્યો હતો. જોકે, ચાલક ભાગી જશે તેવી શંકાથી કોન્સ્ટેબલે ગુસ્સામાં પોતાની પાસે રહેલું નોટપેડ ચાલકના મોઢા પર માર્યું હતું. 

રસ્તા પર પટકાયેલા યુવકને આંખમાં થઈ ઈજા

ચાલુ બાઈક પર જઈ રહેલા ચાલકના મોઢા પર અચાનક નોટપેડ વાગવાના કારણે તે હચમચી ગયો હતો. જેના કારણે યુવકે બાઈક પરનું સંતુલન ગુમાવી દેતા ભાઈ-બહેન વાહન સાથે રોડ પર પટકાયા હતું. રોડ પર પટકાવાથી યુવકના ચશ્માનો કાચ તૂટી ગયો, અને તે કાચના કારણે યુવકની આંખમાં ગંભીર ઈજા થઈ હતી.

સાથી કર્મચારીને બચાવવા પોલીસે કર્યો પ્રયાસ 

આ ગંભીર ઘટના બાદ જવાબદાર કોન્સ્ટેબલ સામે ઈજાગ્રસ્ત યુવકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, તે સમયના તપાસ અધિકારી કનુભાઈ પટેલે પોતાના સાથી કર્મચારીને બચાવવા માટે કોર્ટમાં 'સી-સમરી' એટલે કે ગુનો ન બનતો હોવાનો પક્ષપાતી રિપોર્ટ ભરીને કેસ કાયમ માટે રફા દફા કરવાનો પ્રયાસ કર્યો હતો. 

પીડિત યુવકની એડવોકેટ બહેને આપી લડત

જોકે, પીડિત યુવકની બહેન ભાવનાબેન પોતે એડવોકેટ હોવાથી તેમણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પોલીસના આ ખોટા રિપોર્ટ સામે સખત વાંધા અરજી દાખલ કરી કાનૂની લડત આપી હતી. જેના પરિણામે અદાલતે પોલીસની તપાસને તટસ્થ ન ગણીને સી-સમરી ફગાવી દીધી અને આરોપી સામે ટ્રાયલ ચલાવી હતી.

ગ્રામ્ય કોર્ટનો અંતિમ ચુકાદો અને કડક ટિપ્પણી

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોલીસની તપાસને તટસ્થ ન ગણીને સી-સમરી ફગાવી દીધી અને આરોપી સામે ટ્રાયલ ચલાવી હતી. કોર્ટે આરોપી ટ્રાફિક જવાનની નિવૃત્તિ અને વર્તમાન ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને જેલની સજા કરવાના બદલે 1 વર્ષના પ્રોબેશન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ, ભોગ બનનાર યુવકને રૂ. 30 હજારનું વળતર ચૂકવવા હુકમ કર્યો.

ચુકાદો આપતી વખતે અદાલતે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો હવાલો આપીને નોંધ્યું હતું કે, ગુનેગારને માત્ર જેલ ભેગો કરવા કરતાં પીડિતને નાણાંકીય વળતર અપાવવું વધુ ન્યાયસંગત છે. કોર્ટે એમ પણ ટિપ્પણી કરી હતી કે, આ દંડની રકમ ભોગ બનનાર વ્યક્તિને એવો ભરોસો આપે છે કે ન્યાયતંત્ર આ કાયદાકીય લડતમાં તેને ભૂલ્યું નથી.