Ahmedabad Traffic News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ અને 'M' ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા સિંધુભવન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો સામે મોડી રાત્રે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાત્રિના સમયે રોડ પર ગાડીઓ પાર્ક કરીને જુદી જુદી વસ્તુઓનો ગેરકાયદે વેપાર કરતા તત્વો સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.
15 ગાડીઓ લોક કરાઈ, સામાન પણ જપ્ત કરાયો
આ પણ વાંચો
નાઇટ દબાણ ડ્રાઇવ દરમિયાન જાહેર માર્ગો પર અડચણરૂપ ઊભેલી ગાડીઓ અને ગેરકાયદે વેચાણ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. નાઇટ દબાણ ડ્રાઇવ દરમિયાન આવી રીતે રોડ પર દબાણ કરતી કુલ 15 ગાડીઓને લોક મારીને રૂ.23,500નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણમાં રહેલા પરચુરણ પ્રકારના કુલ 13 નંગ સામાનને દબાણરાહે જપ્ત કરવામાં આવ્યા હતા.
સરકારી ટીમ સાથે અસભ્ય વર્તન
કાર્યવાહી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેર વ્યવસ્થા ખોરવવાનો અને સરકારી કામગીરી અટકાવવાનો પ્રયાસ થયો હતો. વાહનો લોક કરતી વખતે કેટલાક લોકોએ AMCની ટીમ સાથે અસભ્ય અને અયોગ્ય વર્તન કર્યું હતું. સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવાના પ્રયાસ છતાં, AMC અને ટ્રાફિક ટીમે દૃઢતાપૂર્વક કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
AMCની કડક ચેતવણી: આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે
કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગે સ્પષ્ટ ચિમકી આપી છે કે- જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણ કરનારા, ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનાર તેમજ સરકારી અધિકારીઓની ફરજમાં વિઘ્ન નાખનાર કોઈપણ વ્યક્તિ સામે ભવિષ્યમાં પણ આ જ રીતે કડક હાથે કામ લેવામાં આવશે.
અમદાવાદમાં ટ્રાફિકની અવરજવર સુગમ બનાવવા માટે સિંધુભવન રોડ સિવાય પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી નાઇટ ડ્રાઇવ આગામી દિવસોમાં સતત ચાલુ રાખવામાં આવશે.
