Ahmedabad Iconic Road Project:અમદાવાદ શહેરના રસ્તાઓના વિકાસને વધુ સુવ્યવસ્થિત, આધુનિક અને નાગરિકકેન્દ્રિત બનાવવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 'આઇકોનિક-પ્રિ-સેન્ટ રોડ'ના વિકાસ માટે સંકલિત અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં રોડની કામગીરી, અંડરગ્રાઉન્ડ યુટિલિટી, લેન્ડસ્કેપ અને સ્ટ્રીટ લાઇટ જેવી વિવિધ કામગીરી અલગ-અલગ વિભાગો દ્વારા અલગ અંદાજ તથા ટેન્ડર પ્રક્રિયા મારફતે કરવામાં આવતી હતી.
જેના કારણે વિવિધ કામગીરી પૂર્ણ કરવામાં વધુ સમય લાગતો હતો.હવે આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડ ડેવલપમેન્ટ અંતર્ગત વિવિધ વિભાગોની કામગીરીનું એકીકરણ કરીને સંકલિત આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સંકલિત આયોજન અંતર્ગત વોટર, ડ્રેનેજ તથા સ્ટોર્મ વોટર લાઇન જેવી ભૂગર્ભ સુવિધાઓની કામગીરીને સ્ટ્રીટ લાઇટ તથા ગાર્ડનના વિકાસ સાથે સંકલિત રીતે હાથ ધરવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે રોડની કામગીરી દરમિયાન વારંવાર ખોદકામ કરવાની જરૂરિયાત ઘટશે અને ભવિષ્યમાં નાગરિકોને વધુ સુવ્યવસ્થિત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થઈ શકશે.
આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડના વિકાસમાં માત્ર રોડની સુંદરતા જ નહીં, પરંતુ સમગ્ર શહેરી જાહેર જગ્યાના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ આયોજનમાં ઓછામાં ઓછા 1.8 મીટરની પહોળાઈ ધરાવતા કન્ટિન્યુઅસ ફૂટપાથ તથા પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી સુવિધાઓ સાથે રોડ ડેવલપમેન્ટ, સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા, મિડિયન તથા પ્લેસ-મેકિંગ એરિયા, ડેકોરેટિવ લાઇટિંગ, સ્કલ્પચર અને જીવંત ટોપિયરી જેવા આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વોટર ફાઉન્ટેન, હાર્ડસ્કેપ પ્લાન્ટેશન, બસ સ્ટેન્ડ, ક્રીપ/ગ્રીનરી ડેવલપમેન્ટ, સ્પીડ ડાયરેકશન ફેસિલિટી, ફોર-લેન સ્કીમિંગ, સેલ્ફી પોઇન્ટ, વેન્ડિંગ ડેવલપમેન્ટ એરિયા તેમજ સુરક્ષા અને સ્ટ્રક્ચર સંબંધિત સુવિધાઓનો પણ વિકાસ કરવામાં આવનાર છે.
આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડની સંકલ્પના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રોડને માત્ર વાહનવ્યવહાર માટેની સુવિધા તરીકે નહીં, પરંતુ નાગરિકો માટે આરામદાયક, સુરક્ષિત, હરિયાળું અને આકર્ષક જાહેર સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વિવિધ વિભાગો અને સંબંધિત એજન્સીઓ વચ્ચે સંકલન કરીને યુટિલિટી, ટ્રાફિક, લાઇટિંગ, લેન્ડસ્કેપિંગ, પદયાત્રી સુવિધા અને જાહેર સ્થળોના વિકાસને એક જ આયોજન હેઠળ લાવવામાં આવી રહ્યો છે. આ સંકલિત અભિગમથી સમયબદ્ધ કામગીરી, સુવ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળે અમદાવાદ શહેરના વિકાસને વધુ ગતિ મળવાની શક્યતા છે.
આ આયોજન હેઠળનો મુખ્ય રોડ કોરિડોર ઇસ્કોનથી પકવાન રોડ તેમજ એરપોર્ટ – ઈન્દિરા બ્રિજ છે.આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુંદરતા, સુરક્ષા અને નાગરિક સુવિધાઓનું એકીકૃત સ્વરૂપ; વિકસિત અને સ્માર્ટ અમદાવાદ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
