Ahmedabad 148th Rath Yatra 2025 | અમદાવાદ રથયાત્રા 2025: ભારતમાં ઘણા રાજ્યોમાં રથયાત્રા ઉજવાય છે, પરંતુ સૌથી વધુ પ્રખ્યાત અને મહત્ત્વપૂર્ણ યાત્રાઓમાં ઓડિશાની જગન્નાથપુરી અને ગુજરાતની અમદાવાદ રથયાત્રા શામેલ છે. અષાઢ સુદ બીજના પાવન દિવસે રથયાત્રા યોજાય છે, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં બેસીને નગરયાત્રા માટે નીકળે છે.
ભગવાન જગન્નાથની સવારી માટે જે રથનો ઉપયોગ થાય છે તેનું નામ છે 'નંદીઘોષ'. માન્યતા છે કે આ રથ ઈન્દ્રદેવે ભેટમાં આપ્યું હતું. રથ પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બલરામનો રથ 'તાલધ્વજ' તરીકે ઓળખાય છે, જે તાલવનના દેવતાઓ દ્વારા આપવામાં આવ્યો હતો. બહેન સુભદ્રાનો રથ 'કલ્પધ્વજ' છે. યાત્રા દરમિયાન સૌ પહેલા બલરામજીનો રથ હોય છે, ત્યારબાદ સુભદ્રાજીનો અને સૌથી છેલ્લે જગન્નાથજીનો રથ નગરમાં વિહાર કરે છે.
અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે રસપ્રદ વાતો
આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અષાઢી બીજના દિવસે ભવ્ય રીતે યોજાશે. ચાલો જાણીએ રથયાત્રાની ઇતિહાસ, પરંપરા અને ખાસ ઘટનાઓ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી:
- અમદાવાદમાં પ્રથમ રથયાત્રાનો પ્રારંભ 2 જુલાઈ 1878, મંગળવારે થયો હતો.
- વર્ષ 1879માં, પહેલી વાર સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મોસાળું કરવામાં આવ્યું હતું.
- કહેવાય છે કે અંદાજે 400 વર્ષ પહેલાં, રામામંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિર ખાતે ગાદીની સ્થાપના કરી હતી.
- ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને તે આધારે રથયાત્રાની પરંપરા શરૂ થઈ.
- મહંત નરસિંહદાસજી મહારાજે રથયાત્રાનો સ્થાપત્ય પાયો નાંખ્યો અને પ્રથમ યાત્રાનું આયોજન કર્યું.
- 1876માં મહામંડલેશ્વર નૃસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાને રથયાત્રા યોજવાનો આદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે.
- 1878થી, રથયાત્રામાં ત્રણેય રથ ખેંચવાનું કાર્ય ખલાસી ભાઈઓ કરે છે. આજે આશરે 2000 જેટલા ખલાસીઓ રથ ખેંચે છે.
- જમાલપુરમાં સાબરમતી નદીના કિનારે આવેલું જગન્નાથજીનું મંદિર અંદાજે 400 વર્ષ જૂનું છે.
- રથયાત્રા દરમિયાન કૉર્પોરેશન કચેરી પાસે યાત્રાનું ખાસ સ્વાગત કરવામાં આવે છે અને લઘુમતી સમાજના અગ્રણીઓ પણ યાત્રાનું સ્વાગત કરે છે.
- ભરૂચના ખલાસીઓએ પ્રથમ રથ બનાવ્યો હતો જેનો ઉપયોગ પહેલી રથયાત્રામાં થયો હતો.
- 1993માં સુરક્ષા વધારવા માટે રથ પર બુલેટપ્રૂફ કાચ લગાવવામાં આવ્યા હતા.
- 1996માં રથયાત્રાનું સૌપ્રથમ જીવંત પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશભરના ભક્તોએ આ પાવન યાત્રાનો દર્શન લાભ લીધો.
- પહિંદ વિધિ રથયાત્રા પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે, જેમાં સોનાની સાવરણીથી યાત્રામાર્ગની પ્રતીકાત્મક સફાઈ થાય છે.
- 14 કિ.મી લાંબી રથયાત્રા સરસપુર ખાતે મોસાળમાં પહોંચી રોકાય છે, જ્યાં સ્થાનિક ભક્તો ભવ્ય મહાભોજનું આયોજન કરે છે.
- અમદાવાદની રથયાત્રા ઓરિસ્સાની પુરીની જગન્નાથ રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે.
- આમ, અમદાવાદની જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક તહેવાર જ નહીં પણ સમગ્ર શહેર માટે શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિનું ભવ્ય સમારંભ છે.