અમદાવાદમાં ડેટિંગ એપથી હનીટ્રેપનો ખેલ! યુવતીએ જાળમાં ફસાવી વેપારી પાસે લાખો રુપિયા હડપી લીધા

અમદાવાદના હાથીજણમાં ડેટિંગ એપથી વેપારીને હનીટ્રેપમાં ફસાવી બોગસ ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓએ રૂ.6.40 લાખ પડાવ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 10 Nov 2026 10:29 AM (IST)Updated: Tue, 10 Nov 2026 10:29 AM (IST)
ahmedabad-tinder-honey-trap-dating-app-scam-businessman-cheated-6-40-lakh

Ahmedabad Honey Trap: અમદાવાદ શહેરમાં ડેટિંગ એપના માધ્યમથી સાયબર ક્રાઈમ અને હનીટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાથીજણ સર્કલ નજીક ડેટિંગ એપના માધ્યમથી આઈસક્રીમ મશીનનો વેપારી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જેમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને બોગસ ક્રાઈમ બ્રાન્ચ અધિકારી બની રુ.6. 40 લાખની આર્થિક છેતરપિંડી આચરવામાં આવી છે.

ડેટિંગ સાઈટ પરથી બિઝનેસમેન ફસાયો

મળતી માહિતી મુજબ, શહેરના વસ્ત્રાલમાં રહેતા અને આઈસક્રીમ મશીન મેન્યુફેક્ચરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 35 વર્ષીય યુવકે કોઈ એપથી એક યુવતી સાથે સંપર્ક થયો હતો. હીના પટેલ નામની યુવતીએ વેપારીને પોતાના મોહપાશમાં જકડી લીધો હતો. યુવતીએ તેની જાળમાં ફસાયેલા યુવકને 6 નવેમ્બરના રોજ હાથીજણ ખાતે મળવા માટે બોલાવ્યો હતો.

યુવતીના બોલાવ્યા પર વેપારી હાથીજણ સર્કલ પાસે પહોંચ્યો હતો. અને યુવતી સાથે એક અવાવરુ જગ્યાએ બેઠા હતા. તે અરસામાં એક કારમાં 3 ઈસમો ત્યાં આવી ચડ્યા હતા. કારમાં આવેલા 3 શખ્સોએ પોતે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હોવાની નકલી ઓળખ આપીને યુવતીને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ ગણાવીને વેપારી અને યુવતીને બળજબરીથી કારમાં બેસાડી દીધા હતા.

વેપારી પાસેથી પૈસા પડાવ્યા

આરોપીઓએ કારમાં લઈ જઈને થોડેક દૂર યુવતીને ઉતારી દીધી હતી. ત્યારબાદલ ત્રણ કલાક સુધી કારમાં જ વેપારીને ગોંધી રાખીને ઢોર માર માર્યો. તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને શરુઆતમાં 40 હજાર. ત્યારબાદ વેપારીનું ગળું દબાવીને ઓનલાઈન 6 લાખની માતબર રકમ ટ્રાન્સફર કરી આપી હતી. આરોપીઓથી છૂટકારો મળ્યા બાદ વેપારીએ યુવતીને પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપતાં તેણે રાજકોટના બે શખ્સો દ્વારા 3.02 લાખ પાછા આપ્યા હતા.

પોલીસે બે આરોપીઓને ઝડપ્યા

રૂ. 3.02 લાખ પરત મળ્યા બાદ બાકીના રૂ. 3.37 લાખ ન મળતાં અંતે વેપારીએ વિવેકાનંદનગર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલી યુવતી તથા બોગસ ક્રાઈમ બ્રાન્ચ બનેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.