Ahmedabad Crime News: નવા વર્ષના પવિત્ર દિવસે શહેરના પૂર્વ વિસ્તારમાં મારામારી અને હુમલાના 3 અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં ઉધાર કપડાં આપવાની ના પાડતા વેપારી પર હુમલો, ગુટકાના પૈસા ન આપતા યુવક પર હુમલો અને છોકરાઓને રમવા દેવા બાબતે તકરાર થતા યુવાન પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તમામ મામલે પોલીસ વિભાગે તપાસ હાથ ધરી છે.
ખોખરા: ઉધાર કપડા ન આપતા વેપારી સાથે મારામારી
આ પણ વાંચો
ખોખરા વિસ્તારના ભાઈપુરામાં રહેતા અને પ્રિયા ટોકીઝ પાસે કપડાની દુકાન ધરાવતા દિલીપભાઈ સરોજ નવા વર્ષના દિવસે રાત્રે પોતાની દુકાન પર હાજર હતા. તે સમયે રાહુલ અને શ્યામ કાંબલે નામના ભાઈઓ દુકાને આવ્યા અને કપડાં ખરીદવાનું કહી 2 ટી-શર્ટ પસંદ કરીને પેક કરાવ્યા હતા.
બંને ભાઈઓ પૈસા ચૂકવ્યા વિના જ ટી-શર્ટ લઈને ચાલવા લાગતા દિલીપભાઈએ આવીને પૈસા માંગ્યા હતા. શ્યામે પૈસા પછી આપી દેવાનું કહેતા દિલીપભાઈએ નવું વર્ષ હોવાથી ઉધાર રાખવાની ના પાડી હતી. આથી શ્યામ ઉશ્કેરાઈ ગયો અને દિલીપભાઈને લાફા મારી દીધા હતા.
ત્યારબાદ બંને ભાઈએ બોલાચાલી અને મારામારી કરીને "તારા હાથ-પગ તોડી નાખીશ" તેવી ધમકી આપી હતી. પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા જ બંને આરોપી ભાઈઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ખોખરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમરાઈવાડી: ગુટકાના પૈસા ન આપતા યુવકને છરી મારી
અમરાઈવાડી વિસ્તારના શ્રીનાથ નગરમાં રહેતા સેવક કુમાર ઘર બહાર આવેલા પાનના ગલ્લા પર મસાલો ખાવા ગયા હતા. તે સમયે પાડોશમાં રહેતો સન્ની જયસ્વાલ ત્યાં આવ્યો અને સેવક કુમાર પાસે ગુટકા ખાવાના પૈસા માંગ્યા હતા. સેવક કુમારે પૈસા આપવાની ના પાડતા સન્ની ગુસ્સે થઈને મન ફાવે તેમ બોલવા લાગ્યો હતો.
ગાળો બોલવાની ના પાડતા સન્નીએ છરી કાઢી સેવક કુમારના માથાના ભાગે મારી હતી. બૂમાબૂમ થતા સેવક કુમારનો ભાઈ અને બહેન પણ દોડી આવ્યા, જેમને સન્નીએ મારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફરિયાદ કરી તો "જાનથી મારી નાખીશ" એવી ધમકી આપી સન્ની ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત સેવક કુમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગોમતીપુર: નજીવી તકરારમાં યુવક પર તલવારથી હુમલો
ગોમતીપુર વિસ્તારમાં રહેતો મોહમ્મદ હુસેન શેખ રાત્રે 10:30 વાગ્યાની આજુબાજુ ઘર બહાર હતો, ત્યારે ચાલીનાછોકરાઓ ઝઘડતા હોવાથી તેણે "અહીંયા ઝઘડો નાકરો" કહ્યું હતું. બબલુ ભાઈનાભત્રીજાએ આવીને "તું છોકરાઓને રમવા કેમ નથી દેતો?" તેમ કહી બોલાચાલી કરી હતી.
બોલવાની ના પાડતા અને મારામારી થતા આરોપી ઘરેથી તલવાર લઈ આવ્યો અને મોહમ્મદ હુસેન પર હુમલો કર્યો હતો. હુમલાથી બચવા મોહમ્મદ હુસેને હાથ વચ્ચે લાવતા તેના હાથના પંજા પર તલવારનો ઘા વાગ્યો હતો. આસપાસના લોકો દોડી આવતા મોહમ્મદને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગોમતીપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
