T20 World Cup 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે તંત્ર દ્વારા ભવ્ય અને સુરક્ષિત આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ જોવા માટે VIP મહેમાનો સહિત 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉમટી પડવાની સંભાવના છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ અને અન્ય વિભાગોએ પ્રેક્ષકો માટે સુરક્ષા, પાર્કિંગ, ટ્રાફિક અને મેટ્રોની વિશેષ વ્યવસ્થા ઊભી કરી મજબૂત એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
2000 પોલીસકર્મી તૈનાત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર અને બહાર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાત DCP, 10 ACP, 25 PI, 78 PSI અને 1470 કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ મળીને કુલ બે હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે 4 બોમ્બ સ્ક્વોડ અને એક NDRF ટીમ પણ તૈનાત રહેશે.
270 કેમેરાથી ફુલપ્રૂફ સુરક્ષા
સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસે ધક્કામુક્કી ટાળવા માટે 100 મીટર દૂર જ બેરિકેડ મૂકી દેવામાં આવશે, અને ત્યાંથી જ પ્રવેશ આપવામાં આવશે. પ્રેક્ષકો પર ચાંપતી નજર રાખવા માટે એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી 270 કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.
પાર્કિંગ માટે 'માય પાર્ક' એપ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના દોઢ કિલોમીટરના વિસ્તારમાં પ્રેક્ષકોના વાહનો માટે 8 પ્રાઇવેટ પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 6 હજાર જેટલા વાહનો પાર્ક કરી શકાશે. આમાંથી ચાર પ્લોટ ફોર વ્હીલર માટે અને બે પ્લોટ ટુવ્હીલર માટે અનામત છે. પ્રેક્ષકો 'માય પાર્ક' (My Park) એપની મદદથી પોતાના પાર્કિંગ સ્લોટ ઓનલાઇન બુક કરી શકશે.
મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કર્યો
- મેચ પૂરી થયા બાદ પ્રેક્ષકોને ઘરે પરત ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મેટ્રો સેવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી APMC સુધીની મેટ્રો રાત્રે 10 થી 12:30 વાગ્યા સુધી દોડશે.
- જૂની હાઈકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તરફ જતી મેટ્રો રાત્રે 12:50 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
- ગાંધીનગર જવા માટે સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે 11:40 અને 12:10 કલાકે બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે.
- મુસાફરો ભીડથી બચવા માટે રૂ. 50 ની એડવાન્સ ટિકિટ પણ અગાઉથી લઈ શકશે.
આ પણ વાંચો: છેલ્લા 3 વર્ષમાં SPIPAના 87 સિતારાઓ UPSCમાં ઝળક્યા; આ વર્ષે નિસાર દિશાંત સમગ્ર ભારતમાં 19માં ક્રમે
ટ્રાફિક રૂટમાં ફેરફાર અને વૈકલ્પિક રસ્તા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચને પગલે મોટેરા આસપાસના રસ્તા પર ટ્રાફિક નિયંત્રણ લાદવામાં આવ્યા છે. જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો રસ્તો સવારે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે.
- વૈકલ્પિક રૂટ: વાહનચાલકો તપોવન વિસતથી જનપથ થઈ પાવર હાઉસ, પ્રબોધ રાવળ સર્કલ અને કૃપા રેસિડન્સીથી ભાટ કોટેશ્વર રોડ અથવા એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકશે.
- ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 800 જેટલા ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેશે.
55 અધિકારીઓ સાથે ફાયર વિભાગ સ્ટેન્ડબાય
આ મેચ દરમિયાન આગ જેવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગે અગાઉથી જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ઓડિટ કરી લીધું છે, અને સ્ટેડિયમના સ્ટાફને ઈમર્જન્સી ટ્રેનિંગ પણ આપી છે. સ્ટેડિયમના ચારેય ગેટ અને પાર્કિંગ પ્લોટ પાસે મળીને કુલ 8 ફાયર વાહનો અને 55 ફાયર અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે રહેશે. અંદર ઇલેક્ટ્રિક સમસ્યાનો સામનો કરવા માટે ફાયર એક્સટિંગ્વિશર અને વોટસ સ્પ્રીંક્લર સિસ્ટમ પણ સજ્જ રાખવામાં આવી છે.
