Ahmedabad School Stabbing News: અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા અને જૂથ અથડામણની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. હજુ થોડા સમય પહેલા ખોખરાની સેવન્થ-ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની શાહી સુકાઈ નથી, ત્યાં ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલની બહાર ધોરણ-10ના એક વિદ્યાર્થી પર તેના જ સહાધ્યાયીઓએ ઘાતક હુમલો કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
આ પણ વાંચો
ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો નિખિલ પટેલ નામનો વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપીને શાળાની બહાર નીકળ્યો, ત્યારે અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓના ટોળાએ તેને ઘેરી લીધો હતો. શાળાથી માત્ર 100 મીટરના અંતરે જ આ ટોળાએ નિખિલ પર લાકડીઓ, પટ્ટા અને હાથમાં પહેરવાના લોખંડના કડા વડે હુમલો કર્યો હતો. શરૂઆતમાં એવી અફવા ફેલાઈ હતી કે વિદ્યાર્થીને છરી મારવામાં આવી છે, પરંતુ શાળા પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે મારામારીમાં લાકડી અને પટ્ટાનો ઉપયોગ થયો હતો. હુમલા પાછળ વિદ્યાર્થીઓ વચ્ચેનો જૂનો ઝઘડો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
CCTVમાં કેદ થઈ કરતૂત
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધોરણ-10ના વિદ્યાર્થીઓ કોઈ રીઢા ગુંડાઓની જેમ નિખિલને રસ્તા વચ્ચે બેરહેમીથી મારી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને વાલીઓમાં ફફડાટ ફેલાયો છે કે શું શાળાઓ હવે સુરક્ષિત રહી છે? બનાવની જાણ થતા જ ઘાટલોડિયા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ નિખિલને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવાયો છે.
શિક્ષણ વિભાગની કાર્યવાહી
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે, “ઘટનાની જાણ થતા જ શાળાના સંચાલકો પાસેથી વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે. શાળા પ્રશાસને પોલીસને જાણ કરી છે અને અમે પણ વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે શાળાઓને કડક સૂચનાઓ આપી રહ્યા છીએ.”
સેવન્થ-ડે સ્કૂલની યાદો તાજી થઈ
નેશનલ સ્કૂલની આ ઘટનાએ 19 ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ખોખરાની સેવન્થ-ડે સ્કૂલમાં બનેલી લોહિયાળ ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે. તે સમયે ધોરણ-10ના નયન નામના વિદ્યાર્થીની તેના જ ક્લાસમેટ દ્વારા બોક્સ કટર મારીને હત્યા કરવામાં આવી હતી. તાજેતરમાં જ તે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં લોહીલુહાણ હાલતમાં નયન શાળાના ગેટમાં પ્રવેશે છે અને કોઈ પણ સ્ટાફ કે સિક્યુરિટી ગાર્ડ તેની મદદ માટે આવતું નથી. અંતે તેની માતા તેને રિક્ષામાં હોસ્પિટલ લઈ જાય છે જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સેવન્થ-ડે સ્કૂલની ઘટના બાદ ભારે વિરોધ પ્રદર્શન થયા હતા અને લાંબા સમય સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યું હતું. ત્યારબાદ ૩ ઓક્ટોબરથી ચુસ્ત સુરક્ષા વચ્ચે ધોરણ-10 અને 12ના વર્ગો શરૂ કરાયા હતા.
વાલીઓમાં ચિંતા અને આક્રોશ
અમદાવાદની શાળાઓમાં વધી રહેલી આ ‘ગેંગવોર’ જેવી સ્થિતિ પાછળ સોશિયલ મીડિયાનો પ્રભાવ અને વિદ્યાર્થીઓમાં ઘટતી જતી સહનશીલતા જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે શાળાના ગેટની આસપાસ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને હિંસામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કડક દાખલો બેસાડવામાં આવે.
