Ahmedabad Stone Pelting: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ દરમિયાન નરોડા વિસ્તારમાં હિંસક ઘટના બની છે. રવિવારે મોડી રાત્રે નરોડા GEB રોડ પર આવેલા વેજીટેબલ માર્કેટ પાસે દબાણો દૂર કરવા પહોંચેલી ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસ કાફલા પર લારી ગલ્લા ધારકોએ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસ જવાનને ઈજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અચાનક હુમલો કરવામાં આવ્યો
બનાવની વિગતો મુજબ, 22 ડિસેમ્બરની રાત્રે નરોડા વેજીટેબલ માર્કેટની બહાર રોડ પર ગેરકાયદે રીતે ઉભા રહી ટ્રાફિકને અડચણરૂપ બનતા લારીવાળાઓને હટાવવા માટે કોર્પોરેશનની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી. એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ જ્યારે લારીઓ જપ્ત કરવાની કામગીરી શરૂ કરી, ત્યારે માર્કેટ બહાર ધંધો કરતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
જોતજોતામાં ઉશ્કેરાયેલા ટોળાએ તંત્રની કામગીરી અટકાવવા માટે પોલીસ અને કોર્પોરેશનના કર્મચારીઓ પર પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. આ અચાનક થયેલા પથ્થરમારાને કારણે નાસભાગ મચી ગઈ હતી. પથ્થર વાગવાથી એક પોલીસકર્મી લોહીલુહાણ થયો હતો, જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસની કડક કાર્યવાહી
હુમલાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યો હતો અને હુમલો કરનારા તત્વોનો સામાન અને લારીઓ તાત્કાલિક ધોરણે જપ્ત કરી લેવામાં આવી હતી. પથ્થરમારો કરી ફરજમાં રુકાવટ કરનારા અને હિંસા આચરનારા શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેમની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
ટ્રાફિક ઝુંબેશ યથાવત રહેશે
ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નરોડા વિસ્તારમાં આ રોડ પર સતત ટ્રાફિક જામની સમસ્યા રહે છે, જેના કારણે દબાણ હટાવવું અનિવાર્ય હતું. હુમલાની ઘટના છતાં આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ રાખવામાં આવશે.
નરોડા પોલીસે હાલ આ મામલે રાયોટિંગ અને સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે નરોડા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
