અમદાવાદ: શીલજ સર્કલ હિટ એન્ડ રન મામલે મોટી કાર્યવાહી, આરોપી રાઘવેન્દ્રની ધરપકડ; જામીન પણ મળી ગયા

અકસ્માત સર્જનાર આરોપી રાઘવેન્દ્ર કુશવાહ બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 12 Nov 2026 11:36 PM (IST)Updated: Thu, 12 Nov 2026 11:36 PM (IST)
ahmedabad-shilaj-circle-hit-and-run-accused-raghvendra-kushwaha-arrested

Ahmedabad Shilaj Circle Hit and Run: અમદાવાદ શહેરના શીલજ સર્કલ નજીક 11 નવેમ્બરના રોજ સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે. રેન્જ રોવર કારના ચાલક રાઘવેન્દ્ર કુશવાહએ આ અકસ્માત સર્જ્યો હતો અને બાદમાં કાર સાથે ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી છે.

શીલજ સર્કલ નજીક કારચાલકે મારી ટક્કર

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવાની સાથે રેપિડોમાં મોટો કેબ ચલાવતા 50 વર્ષીય પ્રદીપ ડરવાલ 11 નવેમ્બરના રોજ વહેલી સવારે રાઈડ માટે નીકળ્યા હતા. તેમને ઘાટલોડિયામાં શીલજ સર્કલ તરફની રાઈડ મળતા હર્ષદ પુરબિયા નામના વ્યક્તિને બાઈક પર બેસાડ્યા હતા.

સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવકનું મોત

ગ્રાહક હર્ષદભાઈને લઈને પ્રદીપભાઈ શીલજ સર્કલથી આગળ પહોંચ્યા ત્યારે પૂરઝડપે આવતી એક રેન્જ રોવર કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ પ્રદીપભાઈ અને હર્ષદભાઈ રોડ પર પટકાયા, જેમાં હર્ષદભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. યુવક હર્ષદભાઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમનું મોત થયું હતું.

બોપલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ

બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ આરોપી ચાલક કાર સાથે ત્યાંથી નાસી ગયો હતો. પરંતુ એક વ્યક્તિએ કારનો નંબર લખી લીધો હતો. હર્ષદભાઈના મોત મામલે પ્રદીપભાઈએ કાર નંબરના આધારે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બોપલ પોલીસે કારના નંબર તથા CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી હતી.

આરોપી છે ભાજપ ધારાસભ્યનો ભત્રીજો

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે હિટ એન્ડ રન અકસ્માત સર્જનાર આરોપી રાઘવેન્દ્ર કુશવાહ એ બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો છે. બોપલ પોલીસે હિટ એન્ડ રનના આ કેસમાં આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કર્યા બાદ તેને પોલીસ સ્ટેશનથી જ જામીન પણ આપી દીધા હતા.