Ahmedabad Accident: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં શનિવારે બપોરે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ચાલુ કારનું ટાયર અચાનક ફાટી જતાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના લીધે બેકાબૂ બનેલી કારે રોડ કિનારે પાર્ક કરેલી 3 રિક્ષાઓને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ઇલેક્ટ્રિકલ પોલ સાથે અથડાઈને અટકી હતી. જે મામલે પોલીસે કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે.
બેકાબૂ કાર રિક્ષા સાથે ટકરાઈ
મળતી માહિતી મુજબ, શાહીબાગ ખાતે આવેલી અલકનંદા મંદાકીની સોસાયટીના ગેટ પાસે એક પૂરપાટ કારનું ટાયર ફાટી ગયું હતું. કારનું ટાયર ફાટી જતાં કારચાલકે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. જેથી બેકાબૂ કારે સોસાયટીના ગેટ નજીક ઉભેલી ત્રણ રિક્ષાઓ સાથે અથડાઈ હતી. રિક્ષાઓ સાથે અથડાયા બાદ બેકાબૂ કાર સોસાયટીના ગેટ પાસે આવેલા ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. સમગ્ર ઘટનામાં બે રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થયા હતા.
રિક્ષાચાલકોને હોસ્પિટલે ખસેડાયા
બેકાબૂ કારે રિક્ષાઓને અડફેટે લેતાં બે રિક્ષાચાલકોને ઈજાઓ પહોંચી હતી. જેથી ઘટનાને લીધે આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. તેમજ બંનેને 108 મારફતે યોગ્ય સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યારે બીજી બાજુ ઈજાગ્રસ્ત રિક્ષાચાલક પ્રભાત રબારીની ફરિયાદને આધારે એફ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક લવકુમાર પરમાર સામે ગુનો નોંધ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી રહી છે.
