Ahmedabad car accident: ચાલુ કારમાં ચાલકને ખેંચ આવતા સર્જાયો અકસ્માત; 1 યુવતીનું મોત, કારચાલક સહિત 6 ઈજાગ્રસ્ત

રખિયાલ વિસ્તારમાં અજીત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર સર્જાયેલા અક્સમાતમાં ઈજાગ્રસ્ત થયેલા કારચાલક સહિત અન્ય લોકો હાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 23 Jun 2026 07:42 AM (IST)Updated: Tue, 23 Jun 2026 08:36 AM (IST)
ahmedabad-car-accident-driver-convulsed-inrakhial-one-die-sixinjured

Ahmedabad Rakhial Car Accident: અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં સોમવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજીત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર ચાલુ કારે ચાલકને અચાનક ખેંચી આવી હતી. જે બાદ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 6 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

કારમાં પત્ની અને દીકરો પણ હતા સવાર

પોલીસમાંથી મળતી વિગતો અનુસાર, ઓઢવના વિરાટ નગર રોડ પર આવેલા શ્રદ્ધા બંગલોમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યા હતા. આ કારમાં તેમની સાથે તેમના પત્ની ડિમ્પલબેન અને દીકરો કર્મ પણ સવાર હતા. રાત્રે આશરે 9:40 વાગ્યે અજીત મિલ બ્રિજ ઉતરતી વખતે ચાલક મયંકકુમારને અચાનક આંચકી આવી, જેના કારણે તેમણે વાહન પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો.

વાહનોને અડફેટે લઈ કાર દુકાનમાં ઘૂસી ગઈ

ગરીબનગર ચાર રસ્તા પાસે બેકાબૂ બનેલી આ કાર સૌથી પહેલા એક ઓટોરિક્ષા સાથે અથડાઈ, ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ એક્ટિવા અને એક બાઈક ચાલકને અડફેટે લીધા. જે બાદ લોકોને કચડતા આ કાર નજીકની એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ઘટના સર્જાતા જ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ અને જોતજોતામાં 500થી વધુ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ઈજાગ્રસ્તો સારવાર હેઠળ, પોલીસ તપાસ શરૂ

H ડિવિઝન ટ્રાફિક PI એચ. વી. ધંધુકિયાએ આ મામલે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, તમામ ઇજાગ્રસ્તો અને કારચાલક મયંકકુમાર પટેલને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકની તબિયત નાજુક હોવાથી હાલ તેમનું નિવેદન લઈ શકાયું નથી.

naidunia_image

બીજી તરફ ઘટનાની ગંભીરતા જોતા ધારાસભ્ય દિનેશ કુશવાહ તેમજ 2 ACP અને PI સહિતનો મોટો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગરીબનગર ચાર રસ્તા પાસે ચાલી રહેલી ટ્રાફિક સુધારણાની કામગીરી અંતર્ગત સ્પીડ બ્રેકર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.