Ahmedabad Seventh Day School: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. બનાવ બાદ ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટના ગુજરાતભરમાં ચર્ચાનો વિષય રહી હતી. ઘટના બાદ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયું હતું. થોડા દિવસો પહેલા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. હવે એવી માહિતી છેકે ધો. 10 અને ધો. 12ના વર્ગો શુક્રવારથી ઓફલાઇન શરૂ કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યા અનુસાર સેવન્થ ડે સ્કૂલમાં પહેલા ધો.10 અને ધો. 12ના ઓફલાઇન વર્ગો શુક્રવારથી શરૂ કરાશે ત્યારબાદ ધીરે ધીરે અન્ય વર્ગ ઓફલાઇન શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી બોર્ડ એક્ઝામને અનુલક્ષીને 10 હજાર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ધો.10 તથા ધો.12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું છેકે, સરકારે નિમેલા બે ઓબઝર્વર દ્વારા પ્રથમ સ્કૂલનું નિરીક્ષણ કરવામાં આવશે. નોંધનીય છેકે, સ્કૂલમાં હત્યાનો બનાવ બન્યા બાદ બે નિરીક્ષકની નિમણૂક કરવા શિક્ષણ વિભાગ દ્વારા જણવવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગની સૂચનાથી બે નિરીક્ષકની નિમણૂક અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવી છે. મયંક ત્રિવેદી અને ફાલ્ગુનીબેન પટેલને નિરીક્ષક બનાવાયા છે. આ બન્ને અધિકારીઓ સ્કૂલ શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખશે.
સેવન્થ ડે સ્કૂલે શિક્ષણ વિભાગના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. ઓફલાઈન શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ શાળામાં આવે ત્યારથી લઈને વાલી સાથે પરત ફરે ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે સ્ટાફના કર્મચારીઓએ ગેટ પર હાજર રહેવું પડશે. આ ઉપરાંત, રિશેષ દરમિયાન વિદ્યાર્થીઓનું મોનિટરિંગ સ્ટાફના કર્મચારીઓએ વર્ગખંડ અને લોબીમાં કરવાનું રહેશે.
વાલી સમિતિના રિપોર્ટમાં દર્શાવેલી ખામીઓને દૂર કરવા સૂચના આપવામાં આવી છે. સમિતિએ શાળાના મેદાન, લોબી અને પ્રવેશદ્વાર પાસે CCTVની અપૂરતી સંખ્યાનો ઉલ્લેખ કર્યો હતો, જેના પગલે શાળાને ઓફલાઇન શિક્ષણ શરૂ થાય તે પહેલાં આ વિસ્તારોમાં પર્યાપ્ત CCTV લગાવવા જણાવવામાં આવ્યું છે, જેથી મોનિટરિંગ થઈ શકે. વધુમાં, શાળાએ સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરીને ગેટ પર પૂરતા સુરક્ષા ગાર્ડ રાખવા પડશે. ઓફલાઇન શિક્ષણ શરૂ થાય તે પહેલાં શિસ્ત સમિતિની રચના કરવા પણ જણાવાયું છે. ઓફલાઇન શિક્ષણ શરૂ થયા બાદ DEO કચેરીના ક્લાસ 2 કક્ષાના બે નિરીક્ષકો શાળામાં હાજર રહીને તમામ બાબતોનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ અન્ય ધોરણના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
