Seventh Day School Case: 10 હજાર વિદ્યાર્થીને ભણાવતી સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદે હોવાનો ઘટસ્ફોટ, DEOની તપાસમાં પોલ ખુલી

એક વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ અમદાવાદ શહેર DEO ની તપાસમાં બહાર આવ્યું છે કે આ વિશાળ સ્કૂલ કેમ્પસ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 30 Oct 2025 11:43 AM (IST)Updated: Thu, 30 Oct 2025 11:43 AM (IST)
ahmedabad-seventh-day-school-teaching-10000-students-found-illegal
HIGHLIGHTS
  • બોર્ડ અને નિયામક કચેરીની સૂચના તેમજ હાઈકોર્ટના આદેશ બાદ ડીઈઓ રોહિત ચોપરીની કમિટીએ RTE કાયદા હેઠળ સ્કૂલની તપાસ શરૂ કરી હતી.
  • આ તપાસમાં સામે આવ્યું કે સ્કૂલના સંચાલકોએ સ્થળ ફેરફાર, ટ્રસ્ટ ફેરફાર કે વધારાના વર્ગની મંજૂરી લેવાની તસદી સુદ્ધાં લીધી નથી.

Ahmedabad Seventh Day School Case: અમદાવાદના મણિનગર વિસ્તારમાં કાર્યરત અને 10 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સેવન્થ ડે સ્કૂલના સંચાલન અંગે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એક વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ અમદાવાદ શહેર DEO ની તપાસમાં બહાર આવ્યું છે કે આ વિશાળ સ્કૂલ કેમ્પસ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું છે.

DEO રિપોર્ટમાં ગેરરીતિઓની પોલ

બોર્ડ અને નિયામક કચેરીની સૂચના તેમજ હાઈકોર્ટના આદેશ બાદ ડીઈઓ રોહિત ચોપરીની કમિટીએ RTE કાયદા હેઠળ સ્કૂલની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે સ્કૂલના સંચાલકોએ સ્થળ ફેરફાર, ટ્રસ્ટ ફેરફાર કે વધારાના વર્ગની મંજૂરી લેવાની તસદી સુદ્ધાં લીધી નથી.

રિપોર્ટની મુખ્ય વિગતો

હાલમાં સ્કૂલ જે સ્થળ પર કાર્યરત છે (AMCએ 2003માં ભાડાપટ્ટે આપેલું), તે જગ્યાના વર્ગોની મંજૂરીના કોઈ આધાર સ્કૂલે રજૂ કર્યા નથી. સ્કૂલને ધોરણ 1થી 7ની મંજૂરી મહિનગર પૂર્વ ખાતે વર્ષ 1981થી 1989સુધીમાં મળેલી હતી. પરંતુ હાલમાં ચાલતી ધોરણ 1થી 12ની શાળાના કોઈ માન્યતાના પૂરાવા રજૂ થયા નથી. સ્કૂલમાં વધારાના વર્ગો શરૂ કરવાની બોર્ડ પાસે કોઈ મંજૂરી લેવાઈ નથી.

સંચાલનમાં ગૂંચવાડો અને ટ્રસ્ટનો ભંગ

તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી કે સ્કૂલે રજૂ કરેલા આધારોમાં અલગ-અલગ ટ્રસ્ટ-સોસાયટીનો ઉલ્લેખ છે. પ્રાથમિક વિભાગ માટે મહારાષ્ટ્ર સ્થિત 'આસ્લોક એજ્યુકેશન સોસાયટી'નો ઉલ્લેખ છે, જ્યારે FRC સમક્ષ 'ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવેન્ટીસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશન્સ'નો ઉલ્લેખ કરાયો છે. ICSE બોર્ડના નિયમો મુજબ, શાળાનું સંચાલન એક જ રજિસ્ટર્ડ સંસ્થા દ્વારા થવું જોઈએ, જેનો અહીં ભંગ થયો છે.

પ્રિન્સિપાલના મનસ્વી નિર્ણયો અને આર્થિક ગેરરીતિ

વળી, ઘટસ્ફોટ થયો છે કે સ્કૂલના પ્રિન્સિપાલ જ ICSE બોર્ડના ચેરમેન હોવાથી મનસ્વી નિર્ણયો લેવાયા છે. ધોરણ 11 અને 12ની માન્યતા મેળવવા બોર્ડ સમક્ષ ખોટું એફિડેવિટ રજૂ કરાયું. હાલના બાંધકામનું બી.યુ. (બિલ્ડિંગ યુઝ) પરમીશન નથી. AMC પાસેથી માત્ર રૂપિયા 10 હજારના ભાડાપટ્ટે જમીન લીધી હોવા છતાં, FRC (ફી રેગ્યુલેશન કમિટી) સમક્ષ ફી મંજૂર કરાવવા રૂપિયા 1.59 કરોડનું ભાડું રજૂ કરવામાં આવ્યું છે. ડીઈઓએ શિક્ષણ વિભાગમાં સ્પષ્ટપણે અભિપ્રાય રજૂ કર્યો છે કે આ સ્કૂલને સરકાર હસ્તક લઈ લેવામાં આવે અથવા અન્ય ટ્રસ્ટને સોંપવામાં આવે જેથી 10 હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર ન પડે.