Ahmedabad: સાયન્સ સિટીનું પ્લેનેટ અર્થ પેવેલિયન થશે અપગ્રેડ, અદ્યતન 'ન્યુક્લિયર સાયન્સ ગેલેરી' અને 4D થિયેટર બનશે

90 કરોડ રૂપિયાના બજેટ સાથે સાયન્સ સિટીમાં આવેલા પ્લેનેટ અર્થ પેવેલિયનની કાયાપલટ કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 05 Jul 2026 09:21 AM (IST)Updated: Sun, 05 Jul 2026 09:21 AM (IST)
ahmedabad-science-city-planet-earth-pavilion-upgrade-nuclear-science-gallery
Science City Planet Earth Pavilion

Ahmedabad Science City Planet Earth Pavilion: અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલા પ્લેનેટ અર્થ પેવેલિયનની કાયાપલટ થવા જઈ રહી છે. વર્ષ 2012માં શરૂ થયેલા પ્રોજેક્ટને 14 વર્ષ બાદ પ્રથમ વખત આશરે 90 કરોડ રૂપિયાના બજેટ સાથે સંપૂર્ણપણે અપગ્રેડ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 9500 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં નવી સુવિધાઓ ઉમેરવા માટે સત્તાવાર ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.

મુખ્ય આકર્ષણ બનશે 'ન્યુક્લિયર સાયન્સ ગેલેરી'

આ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત સરકારના પરમાણુ ઊર્જા વિભાગ (DAE)ના સહયોગથી પેવેલિયનના પ્રથમ માળે એક નવી અને આધુનિક ‘ન્યુક્લિયર સાયન્સ ગેલેરી’ શરૂ કરવામાં આવશે. આ ગેલેરીમાં પ્રથમ વખત મુલાકાતીઓને ઇન્ટરેક્ટિવ મોડલ્સ દ્વારા સમજાવવામાં આવશે કે પરમાણુ ઊર્જામાંથી વીજળી કેવી રીતે બને છે.

આ ઉપરાંત, પ્લેનેટ અર્થ પેવેલિયનમાં શરૂ થનારા ન્યુક્લિયર સાયન્સ ગેલેરીમાં તબીબી સારવાર, ઉદ્યોગ અને સંશોધન ક્ષેત્રે ન્યુક્લિયર ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવશે.

ડિજિટલ-મિકેનિકલ મોડેલથી વિજ્ઞાન થશે જીવંત

આ સમગ્ર અપગ્રેડેશનનો મુખ્ય હેતુ પ્રદર્શનોને ડિજિટલ અને હાથથી ઓપરેટ કરી શકાય તેવા મિકેનિકલ મોડેલમાં બદલવાનો છે, જેથી મુલાકાતીઓ વિજ્ઞાનના સિદ્ધાંતોને લાઈવ સમજી શકે.

આ સિવાય પેવેલિયનમાં મુલાકાતીઓ માટે પૃથ્વી પર જીવોના વિકાસની સમયરેખા બતાવતું તદ્દન નવું ‘ઇન્ટરેક્ટિવ ઇવોલ્યુશન સિમ્યુલેટર’ અને પ્રકૃતિને થતું નુકસાન માપવા માટે નવું ‘કાર્બન ફૂટપ્રિન્ટ કેલ્ક્યુલેટર’ પણ ખાસ ઉમેરવામાં આવશે.

પાંચ માળના પેવેલિયનમાં નવા પ્રોજેક્ટ બનશે 

સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનના પાંચ માળનું સંપૂર્ણ આધુનિકીકરણ કરવામાં આવશે, જેમાં નીચે મુજબની સુવિધા જોવા મળશે:

  • બેઝમેન્ટ: 4D થિયેટર, અર્થક્વેક (ભૂકંપ) ઝોન અને કોલ માઈનનું આધુનિકીકરણ કરાશે.
  • ગ્રાઉન્ડ ફ્લોર: એક્વેરિયમ, સુનામી, વાવાઝોડું અને જ્વાળામુખી વિભાગને અપગ્રેડ કરવામાં આવશે.
  • પ્રથમ માળ: ઈવોલ્યુશન ઓફ લાઈફ, હ્યુમન એનાટોમી, ગુજરાતની બાયોડાયવર્સિટી અને નવી ન્યુક્લિયર સાયન્સ ગેલેરી અદ્યતન બનાવાશે.
  • બીજો માળ: ખડકો અને ખનિજોના કૃષિ વિભાગને નવું અને આકર્ષક સ્વરૂપ અપાશે.
  • ત્રીજો માળ: ઇન્ફ્લેટેબલ પ્લેનેટોરિયમ (તારામંડળ), લેઝર શો અને મુલાકાતીઓ માટેના સિટિંગ એરિયાને આધુનિક બનાવાશે.