Ahmedabad News: સરખેજ રોજાની મસ્જિદના ગુંબજ પરથી કળશની ચોરી, ક્રાઈમ બ્રાન્ચે કરી ચારની ધરપકડ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચોર ગેંગને એવી શંકા હતી કે સરખેજ રોજા એક ઐતિહાસિક હેરિટેજ સ્થળ હોવાથી, કળશ સોનાનો બનેલો હશે. આ ધારણાને આધારે જ તેમણે ચોરીનું કાવતરું ઘડ્યું હતું.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 18 Jul 2025 09:53 AM (IST)Updated: Fri, 18 Jul 2025 09:53 AM (IST)
ahmedabad-sarkhej-roza-theft-gang-caught-four-in-custody

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સરખેજ રોજાની મસ્જિદના ગુંબજ પરથી કળશની ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પોલીસે પાટણની એક ગેંગના ચાર સભ્યોને પંચધાતુના કળશના ટુકડાઓ સાથે ઝડપી પાડ્યા છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચોર ગેંગને એવી શંકા હતી કે સરખેજ રોજા એક ઐતિહાસિક હેરિટેજ સ્થળ હોવાથી, કળશ સોનાનો બનેલો હશે. આ ધારણાને આધારે જ તેમણે ચોરીનું કાવતરું ઘડ્યું હતું.

મળતી માહિતી મુજબ, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયેલા સરખેજ રોજા ખાતે આવેલી મસ્જિદના ગુંબજ પરથી પ્રાચીન પંચધાતુના કળશની ચોરી થઈ હતી. આ ગંભીર ઘટનાને પગલે અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. સાલુકે અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરીમાં મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં સક્રિય એક તસ્કર ગેંગ સંડોવાયેલી છે. આ ગેંગના કેટલાક સભ્યો ચોરી કરેલા કળશના ટુકડા વેચવા માટે ગ્રાહકો શોધી રહ્યા હોવાની માહિતી મળતા, પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે કાર્યવાહી કરીને, ક્રાઈમબ્રાંચે સુરેશ દંતાણી, ગોપાલ દંતાણી, મુન્ના દંતાણી અને વિષ્ણુ દંતાણી નામના ચાર શખ્સોને ચોરી કરાયેલા કળશના ટુકડાઓ સાથે ઝડપી પાડ્યા હતા.

ક્રાઈમબ્રાંચના ડીસીપી અજીત રાજયને આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ઝડપાયેલા ચાર આરોપીઓ ઉપરાંત, અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓને એવી ધારણા હતી કે સરખેજ રોજા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરાયું હોવાથી, મસ્જિદના ગુંબજ પરનો કળશ સોનાનો હશે. તેમને લાગ્યું કે કળશ વેચીને સારા પૈસા મળી શકશે, જેથી તેમણે ચોરીનું આયોજન કર્યું. જોકે, કળશ પંચધાતુનો નીકળ્યો, એટલે આરોપીઓએ તેને કાપીને વેચવા માટે ગ્રાહકોની શોધ શરૂ કરી. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ચોરીને અંજામ આપતા પહેલા, આરોપીઓએ રેકી કરી હતી અને કળશને ગુંબજ પરથી નીચે ઉતારવા માટે દોરડાનો ઉપયોગ કર્યો હતો.