Ahmedabad News: અમદાવાદમાં નાગરિકો માટે સુવિધાઓ અને આકર્ષણો વધારવા માટે એક મહત્વનું પગલું લેવામાં આવી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ આવતા હોય છે. સહેલાણીઓ અને પ્રવાસીઓ માટે પ્રીમિયમ ફાઈન ડાઈનિંગ રુફટોપ રેસ્ટોરન્ટ અને બોપલ-ઘુમા વિસ્તારમાં રુ.2.76 કરોડના ખર્ચે જીમ અને લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે. જે માટે મનપા દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે.
બોપલ-ઘુમામાં જીમ અને લાઈબ્રેરીનું નિર્માણ
અમદાવાદ મનપા દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ-ઘુમા ખાતે સ્થાનિક રહીશો માટે રુ.2,76 કરોડના ખર્ચે આધુનિક સુવિધા ઊભી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ પ્લસ વનના આ નવા બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહીશો માટે કસરતના આધુનિક સાધનો સાથેનું જીમ બનશે, બિલ્ડિંગના પહેલા માળ પર પુસ્તકપ્રેમીઓ માટે શાંત અને સુસજ્જ લાઈબ્રેરી તૈયાર કરવામાં આવશે. AMCના આ નિર્ણયથી બોપલ-ઘુમા વિસ્તારની અંદાજે 80 હજારથી વધુ વસ્તીને સીધો લાભ મળશે.
સાબરમતી રિવરફ્રન્ટ પાસે રુફટોપ રેસ્ટોરન્ટ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટની પશ્ચિમ વિંગ પર આવેલા મલ્ટિલેવલ કાર પાર્કિંગના ધાબા પર પ્રીમિયમ રેસ્ટોરન્ટ અને કેફે વિકસાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, તંત્ર દ્વારા ડાઇનિંગ રેસ્ટોરન્ટ અને ફૂડ કીઓસ્ક માટે બીડરો પાસે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યા છે.
આ નવીન રેસ્ટોરન્ટની ખાસિયતની વાત કરીએ તો, સાત માળના આ બિલ્ડીંગ પરથી સાબરમતી નદી અને અમદાવાદ શહેરનો મનોરમ્ય નજારો જોઇ શકાશે.આ બિલ્ડિંગ પરથી અટલબ્રિજ અને ઈવેન્ટ ગ્રાઉન્ડ સુધી સીધા જઈ શકાય તે માટે સ્કાઈવોક પણ બનાવવામાં આવ્યો છે.
