Ahmedabad Infrastructure Development: અમદાવાદની ઓળખ બની ચૂકેલો સાબરમતી રિવરફ્રન્ટ હવે માત્ર હરવા ફરવાનું સ્થળ નહીં, પરંતુ 43 કિલી લાંબો એક વિશાળ ગ્રીન કોરિડોર અને પ્રવાસન કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા હાથ ધરાયેલા ફેઝ-2 અને ફેઝ-3ના વિસ્તરણ બાદ, અમદાવાદીઓને વાસણા બેરેજથી લઈને છેક નર્મદા કેનાલ સુધી નદીના સમાંતર સળંગ લોંગ ડ્રાઈવનો અદ્ભુત લ્હાવો મળશે.
1.25 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર
શહેરના ગ્રીન કવરમાં વધારો કરવાના હેતુથી રિવરફ્રન્ટ ફેઝ-૩ અંતર્ગત ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધીના વિસ્તારમાં લોઅર અને મિડલ પ્રોમિનાડ લેવલ પર 1.25 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-૨માં પણ નદીના બંને કાંઠે વિવિધ સ્તરે ગ્રીન ઝોન તૈયાર થઈ રહ્યા છે, જે શહેરના તાપમાનને નિયંત્રિત રાખવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થશે.
પ્રવાસીઓ અને પરિવારો માટે ખાસ આકર્ષણો
નવા વિકસિત થઈ રહેલા વિસ્તારોમાં દરેક વયજૂથના લોકોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફેઝ-3માં નદીના સુંદર દ્રશ્યો નિહાળવા માટે 10 વ્યુઈંગ, 8 ડેક અને પોન્ટુન તૈયાર કરવામાં આવશે.
ફેઝ-2 અંતર્ગત ડફનાળાથી ઈન્દિરા બ્રિજ વચ્ચે ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ એન્ડ કલ્ચર ઝોન અને ઠેર-ઠેર આરામદાયક સીટિંગ વ્યવસ્થા ઊભી કરાશે. અપર પ્રોમિનાડ, વોક-વે અને નવા સિક્સલેન બ્રિજના નિર્માણથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચેની અવરજવર વધુ સુગમ બનશે.
ક્યારે મળશે આ ભેટ?
હાલમાં ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીના ફેઝ-2ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ડાયાફ્રામ વોલ અને એન્કર સ્લેબનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. બેરેજ, બ્રિજ અને રોડ નેટવર્ક સહિતના બાકીના કામો વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે. ત્યારબાદ રૂ. 1,350 કરોડના ખર્ચે ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધીના ફેઝ-3નું નવનિર્માણ પૂર્ણ થતાં અમદાવાદને દેશનો સૌથી લાંબો અને આધુનિક રિવરફ્રન્ટ મળશે.
