નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક રોડ પહોળો કરવા AMCનું બુલડોઝર ફર્યું, 75 મકાનો જમીનદોસ્ત

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારી રૂપે સાબરમતી ટોલ પ્લાઝાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીનો રોડ 61 મીટર પહોળો કરવા AMCએ 75 મકાનો પર બુલડોઝર ફેરવ્યું. 66 લોકોને ભાડા સહાય અપાઈ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 14 Oct 2026 02:07 AM (IST)Updated: Wed, 14 Oct 2026 02:07 AM (IST)
ahmedabad-road-widening-amc-demolishes-75-homes-near-stadium

AMC News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મંગળવારે સવારે સાબરમતી વિસ્તારમાં એક મોટી ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. 2030ની કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2030)ની પૂર્વતૈયારીઓ અને વાહનોની અવરજવર સુગમ બનાવવાના ભાગરૂપે સાબરમતી ટોલ પ્લાઝાથી લઈને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના રોડને પહોળો કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોડની લાઇન સપાટ કરવા માટે લગભગ 75 જેટલા રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

18 મીટરનો રોડ હવે 61 મીટર પહોળો બનશે

સાબરમતી ટોલ પ્લાઝાથી લઈને ડી-માર્ટની સામે થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા આશરે 1 કિલોમીટરના માર્ગ પર આ કામગીરી થઈ રહી છે. વર્તમાન સમયમાં આ રોડ માત્ર 18 મીટર પહોળો છે, જેને ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ હેઠળ વધારીને 61 મીટર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં સ્ટેડિયમ ખાતે યોજાનારી મોટી રમતગમત સ્પર્ધાઓ અને કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આ માર્ગનો વ્યાપ વધારાઈ રહ્યો છે.

જેસીબી અને જેકહેમર સાથે સવારથી કાર્યવાહી શરૂ

મંગળવારે સવારે જ AMCના પશ્ચિમ ઝોન એસ્ટેટ ડિપાર્ટમેન્ટની ટીમ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. ડિમોલિશન માટે એક્સકેવેટર, જેસીબી મશીનો અને મોટી સંખ્યામાં મજૂરોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જે વિસ્તારો પ્રભાવિત થયા છે તેમાં બલદેવ નગર, શંકરજીની ચાલી, નિરાંત નગર, આનંદ નગર જેવા રહેણાંક વિસ્તારોના મકાનોનો સમાવેશ થાય છે.

અસરગ્રસ્ત પરિવારોને ભાડા સહાય અને પુનઃવસન

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રોડ વાઇડનિંગની લાઇન (અલાઇનમેન્ટ)માં આવતા તમામ રહેવાસીઓને અગાઉથી જ નિયમ મુજબ નોટિસો ફાળવવામાં આવી હતી.

66 લોકોને ભાડાના ચેક ચૂકવાયા: જે રહેવાસીઓએ પોતાના રહેઠાણના માન્ય પુરાવા રજૂ કર્યા હતા, તેવા 66 અસરગ્રસ્તોને કોર્પોરેશન દ્વારા કામચલાઉ વસવાટ માટે ભાડાની રકમના ચેક આપવામાં આવ્યા છે.

પુરાવા વગરના લોકોને રાહત નહીં: જે લોકો પાસે મકાન કે રહેઠાણ સંબંધિત જરૂરી કાગળો નહોતા, તેમને કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક આવાસ કે ભાડા સહાયની સુવિધા આપવામાં આવી નથી.

સામાન ફૂટપાથ પર મૂકવા મજબૂર બન્યા કેટલાક રહીશો

જોકે મોટાભાગના રહીશોએ ડિમોલિશન શરૂ થાય તે પહેલાં જ પોતાના ઘરો ખાલી કરી દીધા હતા, પરંતુ મંગળવારે સવારે પણ કેટલાક પરિવારો પોતાના ઘરનો સામાન ખાલી કરતા નજરે પડ્યા હતા. તાત્કાલિક ધોરણે બીજું મકાન ભાડે ન મળવાને કારણે કેટલાક પરિવારોએ પોતાનો કીમતી સામાન અને ઘરવખરી રોડ કિનારે ફૂટપાથ પર મૂકવાની ફરજ પડી હતી.

રહેણાંક જ નહીં, વ્યાપારી મિલકતો પર પણ ચાલ્યું બુલડોઝર

આ રોડ વાઇડનિંગ પ્રોજેક્ટમાં માત્ર મકાનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં કોમર્શિયલ મિલકતો પણ પ્રભાવિત થઈ છે-

આ સમગ્ર ટીપી સ્કીમ અંતર્ગત 165થી વધુ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો રોડની ઝીપમાં આવે છે.

આ મંગળવારની કાર્યવાહી પહેલાં પણ AMC દ્વારા રોડની અડચણરૂપ બનતી 66 કોમર્શિયલ દુકાનો અને મિલકતો તોડી પાડવામાં આવી હતી.

2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ પૂરજોશમાં

અમદાવાદ શહેર 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યની ઓલિમ્પિક સ્પર્ધાઓની મેજબાની માટે દાવો કરી રહ્યું છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવી રહ્યું છે. 61 મીટરનો આ નવો પહોળો રોડ તૈયાર થઈ જવાથી સ્ટેડિયમ તરફ આવવા-જવા માટેનો મુખ્ય માર્ગ મોકળો થશે અને લાખો દર્શકોની અવરજવર સરળ બનશે.