Ahmedabad Rath Yatra:અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે મેમનગર સ્થિત SGVP ગુરુકુળ દ્વારા આયોજિત 19મી ભવ્ય રથયાત્રાનો મંગળ પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાવવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ આ પાવન અવસરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથો સમક્ષ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરીને મહાઆરતી ઉતારી હતી.
ત્યારબાદ તેમણે ઉપસ્થિત વરિષ્ઠ સંતો અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ત્રણેય રથોને પ્રસ્થાન કરાવી નગરજનો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. શહેરના મેયર હિતેશભાઈ બારોટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ મંગલમય પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને રથયાત્રા અને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. રથયાત્રાના પ્રસ્થાન સમયે ગુરુકુળ પરિસરમાં એકત્રિત થયેલા હજારો હરિભક્તો અને શ્રદ્ધાળુઓએ 'જય રણછોડ, માખણ ચોર'ના જયઘોષ સાથે સમગ્ર માહોલને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના 25મા જન્મદિન અને સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરના સુવર્ણ જયંતી મહોત્સવના દિવ્ય ઉપક્રમે ૧૯મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલા રથોને વિશેષ આધ્યાત્મિક થીમ આધારિત ઝાંખીઓથી સુશોભિત કરવામાં આવ્યા હતા.

ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા મેમનગર અને તેની આસપાસના વિસ્તારોમાં અંદાજે 7 કિલોમીટર જેટલા લાંબા રૂટ પર પરિભ્રમણ કરીને નગરજનોને દર્શનનો લાભ આપ્યા બાદ મોડી સાંજે પરત ગુરુકુળ કેમ્પસ ખાતે સંપન્ન થશે.

આ દિવ્ય રથયાત્રાના પ્રસ્થાન મહોત્સવમાં સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમશી દેસાઈ, સ્થાનિક કાઉન્સિલરઓ સહિત પૂજનીય સંતો, અગ્રણીઓ, હરિભક્તો અને વિશાળ સંખ્યામાં નગરજનો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.
