Ahmedabad Rath Yatra 2026: 149મી રથયાત્રામાં AMCનો અનોખો પ્રયોગઃ 'સ્વચ્છ અમદાવાદ, સુંદર અમદાવાદ'નો સંદેશ લાખો ભક્તો સુધી પહોંચ્યો

AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે 149મી અમદાવાદ રથયાત્રા દરમિયાન વિશેષ સ્વચ્છતા જનજાગૃતિ અભિયાન ચલાવ્યું. આ અભિયાનમાં '4 બિન' મેસ્કોટ અને ટેબલો દ્વારા 'સ્વચ્છ અમદાવાદ, સુંદર અમદાવાદ'નો સંદેશ લાખો ભક્તો સુધી પહોંચાડવામાં આવ્યો, જેને સારો પ્રતિસાદ મળ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 16 Jul 2026 03:45 PM (IST)Updated: Thu, 16 Jul 2026 03:45 PM (IST)
ahmedabad-rath-yatra-2026-amc-cleanliness-drive-success

Ahmedabad Rath Yatra 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગ પર વિશેષ સ્વચ્છતા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને ભક્તો અને શહેરીજનો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે.

આ અભિયાન અંતર્ગત વિભાગ દ્વારા વિશિષ્ટ જનજાગૃતિ ટેબલો ઉભા કરવામાં આવ્યા હતા તેમજ '4 બિન' (ચાર કલરની કચરાપેટી)ના જીવંત મેસ્કોટને સમગ્ર રથયાત્રા રૂટ પર કાર્યરત રાખવામાં આવ્યા છે. રંગબેરંગી અને આકર્ષક મેસ્કોટે નાના બાળકો સહિત મોટી સંખ્યામાં ભક્તોનું ધ્યાન ખેંચ્યું છે.

Ahmedabad Rath Yatra 2026: રથયાત્રામાં ભક્તોને ગરમીથી રાહત આપવા AMCની આગવી વ્યવસ્થા, ફાયર સ્ટાફે રસ્તાઓ ઠંડા કર્યાં

રથયાત્રાના દર્શનાર્થે આવેલા લાખો ભક્તો અને શહેરવાસીઓ સુધી 'સ્વચ્છ અમદાવાદ, સુંદર અમદાવાદ'નો સંદેશ અસરકારક રીતે પહોંચે તે માટે મેસ્કોટ અને જનજાગૃતિ ટેબલો દ્વારા સતત પ્રેરણાત્મક અભિયાન ચલાવવામાં આવ્યું છે.

રથયાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયેલા '4 બિન' મેસ્કોટે લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવા તેમજ શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા માટે પ્રેરિત કર્યા હતા. ભક્તોએ પણ આ અનોખા પ્રયાસને વધાવી લીધો હતો અને મેસ્કોટ સાથે તસવીરો પડાવવા ઉપરાંત સ્વચ્છતાના સંદેશને આવકાર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આ નવતર જનજાગૃતિ અભિયાનથી રથયાત્રા માત્ર ધાર્મિક આસ્થાનો જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સ્વચ્છતા અંગે જનજાગૃતિનો પણ અસરકારક માધ્યમ બની છે. ભક્તિ સાથે સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાના AMCના આ પ્રયાસને શહેરીજનો દ્વારા વ્યાપક પ્રશંસા મળી છે અને 'સ્વચ્છ અમદાવાદ, સુંદર અમદાવાદ'ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં સફળતા મળી છે.