Ahmedabad News: વિદેશ જઈ PRની આશા રાખતા અમદાવાદના એક યુવક સાથે કરોડોના ખર્ચે વિઝા અપાવવાના બહાને મોટી છેતરપિંડી થઈ છે. શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય વિષ્ણુભાઈ સુરેશભાઈ પટેલે કેનેડામાં રહેતા પિતા-પુત્રી સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
રૂપિયા 70 લાખના ખર્ચ સામે રૂપિયા 35 લાખ એડવાન્સ લીધા
ફરિયાદ અનુસાર, વિષ્ણુભાઈનો સંપર્ક તેમના સાસુના માધ્યમથી આરોપી અશ્વિનભાઈ સોમાભાઈ પટેલ સાથે થયો હતો, જેઓ કેનેડામાં રહીને વિઝા એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જણાવતા હતા. અશ્વિનભાઈએ વિષ્ણુભાઈ અને તેમના પત્ની માટે PR વિઝાની પ્રોસેસ કરાવવાનો કુલ ખર્ચ રૂપિયા 70 લાખ જણાવ્યો હતો, જેમાંથી રૂપિયા 35 લાખ એડવાન્સ પેમેન્ટ તરીકે માંગવામાં આવ્યા હતા.
એડવાન્સ પેમેન્ટની પતાવટ થયા બાદ અશ્વિનભાઈ કેનેડા પરત ફર્યા. ત્યારબાદ તેમની દીકરી સુવર્ણાબેન પટેલે ફરિયાદીના ઘરે આવીને વિષ્ણુભાઈના પરિવારના સભ્યોના પાંચ ચેક મેળવ્યા હતા, જેમાં ચેક પર કોઈનું નામ લખવામાં આવ્યું ન હતું. જે આ ફ્રોડની શંકાસ્પદ શરૂઆત હતી. આ ચેક પૈકી ચાર ચેક આરોપી સુરજભાઈ જગદીશભાઈ પ્રજાપતિના ખાતામાં અને એક ચેક અશ્વિનભાઈના પોતાના ખાતામાં જમા થયા હતા. આ સમગ્ર ષડયંત્રમાં જીગરભાઈ અશ્વિનભાઈ પટેલનો પણ સાથ હતો.
નકલી LMIA લેટર પકડાવી ફોન બંધ કરી દીધો
રૂપિયા ચૂકવ્યા પછી જ્યારે વિઝા પ્રોસેસમાં સતત વિલંબ થયો, ત્યારે આરોપી અશ્વિનભાઈએ ફરિયાદીના સાસુના વૉટ્સએપ પર LMIA લેટર મોકલીને વિશ્વાસમાં રાખ્યા કે કામ ચાલી રહ્યું છે. જોકે, તપાસમાં બહાર આવ્યું કે આ લેટર માત્ર PDF ફોર્મેટમાં તૈયાર કરાયેલો નકલી દસ્તાવેજ હતો. ખોટા લેટર અંગે પૂછપરછ કરતાં જ આરોપીઓએ ટાળટૂળ કરવાનું શરૂ કર્યું અને મુખ્ય આરોપી અશ્વિનભાઈનો ફોન બંધ થઈ ગયો. આખરે વિષ્ણુભાઈને સમજાયું કે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય આ ચાર આરોપીઓએ મળીને તેમની સાથે રૂપિયા 35 લાખની છેતરપિંડી કરી છે. રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
