અમદાવાદના રાંચરડામાં આકાર પામ્યું બીજું 'કૈંચીધામ': માત્ર 5 મહિનામાં નિર્માણ પામ્યું નીમ કરૌરી બાબાનું ભવ્ય મંદિર

અમદાવાદ પાસેના રાંચરડામાં માત્ર 5 મહિનામાં નીમ કરૌરી બાબાના દૈવી સંકેતથી ભવ્ય 'કૈંચીધામ' નિર્માણ પામ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 11 Sep 2026 08:29 AM (IST)Updated: Fri, 11 Sep 2026 08:29 AM (IST)
ahmedabad-rancharda-neem-karoli-baba-hanumanji-kainchi-dham-temple

Kainchi Dham Ahmedabad: નીમ કરૌરી બાબાનો મહિમાં આજે દેશ સહિત ગુજરાત ભરમાં ગૂંજી ઉઠ્યો છે. તેમના જીવન પર આધારિત ફિલ્મ હનુમાન અંશને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. ત્ચારે નીમ કરૌરી બાબાના જીવન સાથે જોડાયેલા કેટલાક સ્થળોનું ખૂબ જ મહત્વ છે, જે પૈકીનું એક કૈચીધામ છે. આવું જ એક બીજુ કૈચીધામ મંદિર અમદાવાદ જિલ્લાના રાંચરડા ગામે માત્ર પાંચ મહિનામાં 'કૈંચીધામ' બનીને તૈયાર થયું છે. હનુમાન અંશ ફિલ્મને લીધે આ મંદિર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.

અમદાવાદના રાંચરડામાં બીજુ 'કૈચીધામ'

મંદિરની સ્થાપના સાથે સંકળાયેલા ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, તેઓ ઉતરાખંડ સ્થિત કૈચીધામ ખાતે 3 વર્ષ પહેલા ગયા હતા. નીમ કરૌરી બાબાના ધામેથી પરત ફર્યા પછી તેઓ સતત બાબાની ભક્તિમાં લીન રહેવા લાગ્યા હતા. એક વાર તેઓને સપનામાં નીમ કરૌરીબાબાના સાક્ષાત દર્શન થયા. આથી તેમને અમદાવાદમાં વિશ્રામની મુદ્રામાં હનુમાનદાદાના મંદિર કરવાનો દૈવીય સંકેત મળ્યો હતો.

મંદિરના નિર્માણમાં ખાસ પથ્થરો વપરાયા

ડો. પ્રવીણ ગર્ગે આ દૈવીય સંકેતથી પ્રેરણા લઈને રાંચરડા ખાતે કૈચીધામ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. તેઓએ 35 ફૂટ ઉંચુ અને 35 ફૂટ પહોળું આ ભવ્ય મંદિર માત્ર 5 માસના અલ્પગાળામાં નિર્માણકાર્ય પૂર્ણ કરાવ્યું હતું. 23 ઓગસ્ટ 2024ના દિવસે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા પામેલ શ્રી સંકટમોચન મહાવીર નીમ કરૌરી બાબા મંદિરના નિર્માણમાં વપરાયેલા ખાસ ગુલાબી પથ્થરને રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા.

હનુમાનજી સાથે નીમ કરૌરી બાબાની પ્રતિમા

આ મંદિરમાં 6 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી વિશ્રામ મુદ્રામાં હનુમાનજીની મૂર્તિને સ્થાપિત કરાઇ હતી. આ મૂર્તિનું નિર્માણ પાટણના સિદ્ધપુરના સોમપુરા શિલ્પકાર પાસે બનાવડાવામાં આવી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે નીમ કરૌરી બાબાના પૌત્ર ધનંજય શર્મા સહિત 1008 મહામંડલેશ્વર સહિત દેશના ખૂણે ખૂણેથી 100થી વધુ સાધુ સંતો પધાર્યા હતા. મંદિરના પરિસરમાં હનુમાનજી સહિત શ્રીરામ, લક્ષ્મણજી સહિત નીમ કરૌરી બાબાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.