Ahmedabad Rain: લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ થતાં રોડ રસ્તા પર પસાર થનારા બાઈક સવારો અને રાહદારીઓ ભીંજાયા હતા.
અમદાવાદના વિસ્તારોમાં વરસાદ વરસ્યો
અમદાવાદના પકવાન, સરખેજ, એસજી હાઈવે, વૈષ્ણોદેવી, થલતેજ, પ્રહલાદનગર, ઈસ્કોન, સેટેલાઈટ, સાયન્સસિટી અને સોલા જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શ્રાવણ પૂર્ણ થયા બાદ વરસાદના આગમનથી લાંબા સમયથી બફારા અને ગરમીથી ત્રાસેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. વરસતા વરસાદમાં વાહનચાલકોને વાહનચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. વરસાદ વરસતા રાજ્યના ખેડૂતો માટે રાહતરુપ સાબિત થશે.
