અમદાવાદમાં બે દાયકાનો ઐતિહાસિક વરસાદઃ 20 ઈંચથી વધુ વરસાદ વચ્ચે AMC દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ, પાણીના નિકાલ અને સફાઈ અભિયાન

અમદાવાદમાં છેલ્લા 20 વર્ષનો સૌથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં AMC દ્વારા રાહત, બચાવ, પાણી નિકાલ અને સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં પાણીના કાયમી નિકાલ માટે રૂ. 900 કરોડના કામો ટૂંક સમયમાં શરૂ કરાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Jul 2026 08:10 PM (IST)Updated: Fri, 24 Jul 2026 08:10 PM (IST)
ahmedabad-rain-amc-massive-relief-and-rescue-amid-record-downpour
HIGHLIGHTS
  • 107 પંપ કાર્યરત, 52 સ્થળોએ પાણીનો નિકાલ પૂર્ણ, મુખ્ય રસ્તાઓ પરથી પાણી ઓસર્યા

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં છેલ્લા લગભગ 20 વર્ષમાં એક જ સમયગાળામાં પડેલા સૌથી ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ સતત મેદાનમાં રહીને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સમગ્ર તંત્ર સજ્જ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ તેમજ AMCના ચીફ એન્જિનિયર ઋષિ પંડ્યા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કંટ્રોલ રૂમ તેમજ ફિલ્ડમાં રહીને પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

 


અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 23 જુલાઈના સવારે વરસાદ શરૂ થયા બાદ તા. 24 જુલાઈના સાંજે 5:00 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો છે.

આ સમયગાળામાં સૌથી વધુ વરસાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સરેરાશ 458.33 મિ.મી. નોંધાયો છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 395.21 મિ.મી., મધ્ય ઝોનમાં 373.38 મિ.મી., પશ્ચિમ ઝોનમાં 346.79 મિ.મી., ઉત્તર ઝોનમાં 276.70 મિ.મી., દક્ષિણ ઝોનમાં 274.13 મિ.મી. અને પૂર્વ ઝોનમાં 217.13 મિ.મી. વરસાદ નોંધાયો છે. શહેરમાં સૌથી વધુ વરસાદ બોપલ વિસ્તારમાં 504.3 મિ.મી. એટલે કે અંદાજે 20 ઇંચથી વધુ નોંધાયો છે.

naidunia_image

ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા AMC દ્વારા તમામ 42 સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. શહેરભરમાં કુલ 107 પંપ વિવિધ સ્થળોએ કાર્યરત રાખીને વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. વરસાદી પાણી ભરાયેલા 126 સ્થળોમાંથી 52 સ્થળોએ પાણીનો સંપૂર્ણ નિકાલ કરી દેવામાં આવ્યો છે, જ્યારે બાકીના 74 સ્થળોએ વિવિધ પંપ અને મશીનરીની મદદથી પાણીના નિકાલની કામગીરી સતત ચાલુ છે. જરૂરિયાત મુજબ બહારથી પણ વધારાના પંપ ઉપલબ્ધ કરાવીને કામગીરીને વધુ ગતિ આપવામાં આવી છે.

ભારે વરસાદ દરમિયાન ફાયર વિભાગ અને AMCના વિવિધ વિભાગોએ અનેક સ્થળોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. શંકરભુવનની ચાલીમાંથી આશરે 200 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જ્યારે સાબરમતીના છારાનગર વિસ્તારના રબારીવાસમાંથી 11 લોકોને ફાયર વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. શહેરમાં ઝાડ પડવાની 173 ફરિયાદો તેમજ સ્ટ્રીટ લાઇટ સંબંધિત 46 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી, જેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.

હાલ ચાંદલોડિયા સિવાય શહેરના તમામ અંડરપાસ ખોલી દેવાયા

શહેરના અંડરપાસોની સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. ગઈકાલે 11થી વધુ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ સતત કામગીરીના પરિણામે હાલમાં માત્ર ચાંદલોડિયા અંડરપાસ જ બંધ રાખવામાં આવ્યો છે, જેને પરિસ્થિતિ અનુકૂળ બનતા શરૂ કરવામાં આવશે. BRTS અને AMTS સેવાઓ પણ વોટરલોગિંગવાળા મર્યાદિત વિસ્તારોને બાદ કરતાં મોટાભાગે નિયમિત રીતે કાર્યરત રહી હતી.

આરોગ્ય અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપતાં AMCના હેલ્થ વિભાગે અત્યાર સુધીમાં આશરે 76 હજાર ક્લોરીનની ગોળીઓનું વિતરણ કર્યું છે. વરસાદી પાણી ઓસરતા જ સમગ્ર શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

576 સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં રસ્તાઓ અને વિસ્તારોમાંથી અંદાજે 270 મેટ્રિક ટન કાદવ, કીચડ અને ગંદકી દૂર કરવામાં આવી છે. AMCની વિવિધ ટીમો સતત સફાઈ, જંતુનાશક છંટકાવ અને આરોગ્યલક્ષી કામગીરીમાં વ્યસ્ત છે, જેથી વરસાદ બાદ કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી ન થાય.

naidunia_image

આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બોપલ અને સેન્ટોસા વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા AMCના તમામ વરિષ્ઠ અધિકારીઓ દિવસભર વિવિધ વિસ્તારોમાં મેદાની મુલાકાત લઈ કામગીરીનું સતત મોનિટરિંગ કરતા રહ્યા હતા.


મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ભારે વરસાદ છતાં AMCની ટીમો સતત મેદાનમાં રહીને પાણીના નિકાલ, ટ્રેન્ચ લાઇન, સ્ટોર્મ વોટર નેટવર્ક અને અન્ય કામગીરી પર સંપૂર્ણ ફોકસ સાથે કામ કરી રહી છે. બોપલ, ઘુમા, સાયન્સ સિટી, ગોતા, સરખેજ, ચાંદખેડા, ચાંદલોડિયા, પાલડી, બેહરામપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છતાં મુખ્ય રસ્તાઓ પરથી પાણી હવે મોટા ભાગે ઓસરી ગયા છે.

બોપલના કેટલાક નીચાણવાળા 'સોસર' પ્રકારના વિસ્તારોમાં પાણીના નિકાલ માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘુમા ખાતે વધારાનો ઇનલેટ કાર્યરત કરવામાં આવ્યો છે અને રત્ના તળાવ પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા વધારીને પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


આ વખતે ભારે વરસાદનો સૌથી વધુ ભાર પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં રહ્યો હતો, છતાં વેસ્ટર્ન ટ્રંક લાઇનના કારણે ચાંદખેડા, સાયન્સ સિટી, સરખેજ, ગોતા, ચાંદલોડિયા અને આસપાસના વિસ્તારોમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર રાહત મળી છે. આ ટ્રંક લાઇનની ક્ષમતા ઓવરલોડ થઈ નથી, પરંતુ એક જ સમયે 20 ઇંચથી વધુ વરસાદ પડતાં શરૂઆતના કલાકોમાં પાણીના નિકાલમાં સમય લાગ્યો હતો.

વરસાદની તીવ્રતા ઘટતાં ટ્રંક લાઇન દ્વારા પાણીનો ઝડપી નિકાલ શક્ય બન્યો અને મુખ્ય માર્ગો પરથી પાણી ઓસરવામાં મદદ મળી. બોપલ અને ઘુમા વિસ્તાર હજુ પણ જૂના ગ્રામ પંચાયત સમયના સ્ટોર્મ વોટર નેટવર્ક પર આધારિત હોવાથી આગામી સમયમાં ત્યાં વધુ સુવિધાઓ વિકસાવવામાં આવશે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી AMC દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અપનાવવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તથા AMCના માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.