શહેરમાં હવે દર 6 મહિને સાફ થશે પાણીની ટાંકીઓ, 4 દિવસમાં ખાડા પુરાશે; ગણેશ વિસર્જન માટે 38 કુંડ તૈયાર

અમદાવાદમાં AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ. તમામ પાણીની ટાંકીઓ દર 6 મહિને સાફ કરવા આદેશ, 4 દિવસમાં ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થશે અને ગણેશ વિસર્જન માટે 38 કુંડ તૈયાર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 24 Sep 2026 09:34 PM (IST)Updated: Thu, 24 Sep 2026 09:34 PM (IST)
ahmedabad-amc-water-tanks-cleaned-potholes-fixed-ganesh-visarjan

AMC Standing Committee Meeting: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક તા. 24 સપ્ટેમ્બર 2026ના રોજ ગુરુવારે મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, નાગરિકોની પાયાગત સુવિધાઓ અને વિવિધ વહીવટી મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

પાણીની ટાંકીઓની સફાઈ અંગે કડક સૂચના

તાજેતરમાં અસારવા વિસ્તારની પાણીની ટાંકીમાંથી હાડકાં જેવી શંકાસ્પદ વસ્તુ મળવાના વિવાદ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે આ મામલે પોલીસ અને FSL દ્વારા તપાસ ચાલી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન સર્જાય તે માટે શહેરમાં આવેલી તમામ પાણીની ટાંકીઓની દર 6 મહિને નિયમિત સફાઈ કરવામાં આવે તેવા કડક આદેશો જારી કરવામાં આવ્યા છે.

આગામી 4 દિવસમાં શહેરમાંથી દૂર થશે ખાડાઓ

ચોમાસાની સિઝનને કારણે અમદાવાદના રસ્તાઓ પર પડેલા ખાડાઓ અને મોટા પેચવર્ક અંગે ચેરમેને જણાવ્યું હતું કે મોટાભાગના માર્ગોનું સમારકામ પૂરું થઈ ચૂક્યું છે. તેમ છતાં, જો કોઈ વિસ્તારમાં રોડ-રસ્તા પર ખાડા બાકી રહી ગયા હોય, તો તે તમામ કામગીરી આગામી 4 દિવસની અંદર યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવશે. આ માટે મેયર, ચેરમેન, સંબંધિત અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરો સાથે ખાસ બેઠક યોજીને આયોજન કરાયું છે.

ગણેશ વિસર્જન માટે વ્યાપક વ્યવસ્થાઓ

શહેરમાં આગામી ગણેશ વિસર્જન પર્વને અનુલક્ષીને AMC દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે અમદાવાદમાં અલગ-અલગ 38 સ્થળોએ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે ફાયર બ્રિગેડના 290 જવાનો આધુનિક સાધન-સામગ્રી સાથે તૈનાત રહેશે.

સુરક્ષા માટે 2 બોટ અને મોટી મૂર્તિઓના વિસર્જન માટે તમામ 38 સ્થળોએ સ્પેશિયલ ક્રેન ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે.