અમદાવાદના રબારી કોલોનીમાં હિટ એન્ડ રન: કારની ટક્કરે એક્ટિવા સવાર વેપારીનું સારવાર દરમિયાન મોત

પોલીસની તપાસ અનુસાર અકસ્માત સર્જનાર કાર રામોલમાં રહેતા બીનાબેન ગાંધીના નામે રજિસ્ટર થયેલ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Nov 2026 04:09 PM (IST)Updated: Sun, 15 Nov 2026 04:09 PM (IST)
ahmedabad-rabari-colony-hit-and-run-accident-trader-dies-car-driver-absconds

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના રબારી કોલોની વિસ્તારમાં રીટાનગર કેનાલ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા કારચાલકે એક્ટિવા સવાર વેપારીને જોરદાર ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત વેપારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ ફરાર કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અજાણ્યા કારચાલકે એક્ટિવાને મારી ટક્કર

મળતી માહિતી અનુસાર, વસ્ત્રાલના મહેમદપુરા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય આનંદભાઈ સુદામા સક્સેના રબારી કોલોનીમાં કપડાંનો વેપાર કરતા હતા. 15 નવેમ્બર, રવિવારના રોજ સવારે આશરે 7 વાગ્યે તેઓ ઘરેથી એક્ટિવા લઈને પોતાના ધંધા પર જવા નીકળ્યા હતા.

આ દરમિયાન તેઓ રબારી કોલોની વિસ્તારમાં આવેલા રીટાનગર કેનાલ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા. ત્યારે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા એક અજાણ્યા કારચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આનંદભાઈ એક્ટિવા પરથી રોડ પર પટકાયા હતા.

સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત વેપારીનું મોત

અકસ્માતમાંઆનંદભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વેપારીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કાર રામોલની મહિલાના નામે હોવાનો ખુલાસો

પોલીસે આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કાર રામોલ વિસ્તારમાં રહેતા બીનાબેન ગાંધીના નામે રજિસ્ટર થયેલ હોવાનું સામે આવ્યું છે.

હાલમાં પોલીસ કારના રજિસ્ટર્ડ માલિક સહિત અન્ય વિગતોના આધારે ફરાર કારચાલક સુધી પહોંચવા તપાસ કરી રહી છે. અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.