Ahmedabad News: અમદાવાદ શહેરમાં આર્થિક અને માનસિક શોષણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની જાણીતી આઈટી કંપનીમાં આઈટી મેનેજર તરીકે માસિક 2 લાખનો પગાર મેળવતા પતિ અને સાસુએ. આઈટી કંપનીમાં રુ.80 હજાર કમાતી ગર્ભવતી મહિલા પાસે ઘર ખર્ચ માટે અડધો પગાર આપવા દબાણ કરી માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. મહિલાના નિવૃત્ત મેજિસ્ટ્રેટ પિતાના અવસાન બાદ સાસરિયાઓના આ પ્રકારના માનસિક ત્રાસથી કંટાળી જઈને અંતે ગર્ભવતી મહિલાએ 181 અભ્યમ હેલ્પલાઈનની મદદ માગી હતી.
શું છે સમગ્ર મામલો?
આ પણ વાંચો
પીડિત મહિલાના લગ્નને 3 વર્ષ થયા છે. મહિલાએ પોતાના ઘર માટે જમા કરેલી 25 લાખની તમામ બચત પતિને સોંપી દીધી હતી. તેમ છતાં પણ કામવાળીનો પગાર મહિલા જ ચૂકવતી હતી. શોષણની હદ ત્યારે થઈ જ્યારે એક દિવસ નોકરી પર જવા માટે મહિલાએ કેબ બુક કરાવી હતી. ઓનલાઈન પેમેન્ટમાં તકલીફ આવતાં તેણે પોતાના પતિ પાસે 100 રોકડા માગ્યા. પરંતુ પતિએ કેબનું ભાડુ ચૂકવવાની સ્પષ્ટપણે ના પાડી હતી.
181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું
પતિ અને સાસરિયાઓના ત્રાસથી અત્યાચારથી કંટાળીને મહિલાએ અભયમની મદદ માગતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અભયમની ટીમે પતિ અને સાસરિયાંઓને કાયદાકીય જોગવાઈઓ તથા ઘરેલું હિંસા બાબતે કડક શબ્દોમાં સમજાવ્યા હતા. કાઉન્સેલિંગ બાદ પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે પત્નીની મરજી વિરુદ્ધ પગાર નહીં માગવા, કોઈ પણ પ્રકારનો ત્રાસ ન આપવા તેમજ હોસ્પિટલ અને ગર્ભવતી પત્નીની સારવારનો તમામ ખર્ચ પોતે ઉપાડવાની લેખિત ખાતરી આપતાં મામલો સુખદ રીતે ઉકેલાયો હતો.
