અમદાવાદમાં માત્ર 7 લાખમાં મેળવો 'ઘરનું ઘર', ઝુંડાલ અને મોટેરામાં બનશે 1436 આવાસ; જાણો સુવિધાઓ અને નિયમો

અમદાવાદ મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત ઝુંડાલ અને મોટેરા વિસ્તારોમાં 1 BHK ફ્લેટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 28 Jul 2026 09:04 AM (IST)Updated: Tue, 28 Jul 2026 09:04 AM (IST)
ahmedabad-pm-awas-yojana-urban-1bhk-flats-7-lakh-motera-zundal-amc
Ahmedabad PM Awas Yojana (Urban) 2.0

Ahmedabad PM Awas Yojana (Urban) 2.0: અમદાવાદ શહેર જેવા આર્થિક પાટનગરમાં જ્યાં 1 BHK મકાન લેવું હોય તો પણ 20થી 25 લાખ રૂપિયા ખર્ચવા પડે છે, ત્યાં હવે આર્થિક રીતે નબળા લોકોને પોતાનું ઘરનું ઘર મેળવવાનું સપનું સાકાર થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત શહેરના ચાંદખેડા વોર્ડમાં આવતા ઝુંડાલ અને મોટેરા વિસ્તારમાં 1 BHK ફ્લેટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

કયા વિસ્તારમાં કેટલા ફ્લેટ બનશે?

હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે વિગતો આપતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ કુલ 1436 ફ્લેટ બનશે. જેમાં ઝુંડાલમાં 13 કરોડના ખર્ચે 126 ફ્લેટ બનાવવા માટે કે.કે કન્સ્ટ્રક્શનને અને મોટેરામાં 137 કરોડના ખર્ચે 1310 ફ્લેટ બનાવવા માટે શાંતિ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી આપવામાં આવી છે. 

ખાનગી ફ્લેટો કરતા અડધી કિંમતમાં લોકોને મકાન પૂરા પાડવામાં આવશે. સામાન્ય સભાની મંજૂરી બાદ એક મહિનામાં કામ શરૂ થશે અને અઢીથી ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થયા બાદ લાભાર્થીઓને મકાન ફાળવાશે.

કોને મળશે લાભ અને કેટલી સબસીડી?

આ યોજના અંતર્ગત જે લોકોની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે, તેવા આર્થિક રીતે નબળા વર્ગના (EWS) લોકો ફોર્મ ભરી શકશે. લાભાર્થીઓએ મકાન માટે માત્ર રૂ. 7 લાખ ભરવાના રહેશે. આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર તરફથી 2 લાખ રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 1.5 લાખ રૂપિયાની ગ્રાન્ટની સહાય મળશે. મકાન મેળવવા માટે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. જોકે, ફ્લેટના મેન્ટેનન્સનો ખર્ચ હજુ સુધી નક્કી કર્યો નથી.

ફ્લેટમાં મળશે અત્યાધુનિક સુવિધાઓ

આ યોજનામાં બનનારા મકાન 35 ચોરસ મીટર એરિયાના હશે, જેમાં એક ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન, કોમન ટોઇલેટ અને ચોકડીની સુવિધા અપાશે. ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ અને ભૂકંપ પ્રતિરોધક બાંધકામ સાથે નીચે મુજબની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે:

  • 24 કલાક પાણી અને ડ્રેનેજ લાઈન.
  • રસોડામાં 4 સેન્ડવીચ કોટાસ્ટોનનું પ્લેટફોર્મ અને રાંધણ ગેસ માટે PNG લાઈન.
  • વિટ્રીફાઇડ ટાઈલ્સ ફ્લોરીંગ, પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડો અને લેમીનેટ સીટનો ફલશ ડોર.
  • દરેક બ્લોકમાં સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ અને ફાયર સેફ્ટી.
  • બાળકો માટે ગાર્ડન, વિશાળ પાર્કિંગ, કેમ્પસમાં RCC રસ્તા અને પેવર બ્લોક.
  • સોલાર રૂફટોપ, મીની STP પ્લાન્ટ અને વરસાદી પાણીના સંગ્રહ માટે પરકોલેટિંગ વેલ.

રહીશોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દૂર ન જવું પડે તે માટે આવાસ યોજનાની બહાર દુકાનો પણ બનાવવામાં આવશે.