PM Modi Gujarat Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાજ્યકક્ષાના ભવ્ય કાર્યક્રમમાં તેઓ ₹35,200 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા તેમજ નવા શરૂ થનારા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
દ્વારા અપાનારી આ ભેટમાં ₹32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના અને ₹2,597 કરોડથી વધુના ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ભારતીય રેલવે: ₹30,766 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ અને WDFC વિભાગોનું લોકાર્પણ
આ પ્રવાસ દરમિયાન રેલવે ક્ષેત્રે માળખાકીય પરિવર્તન લાવતા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે:
WDFC લોકાર્પણ: ₹20,703 કરોડના ખર્ચે તૈયાર વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ મુખ્ય વિભાગો—ન્યૂ સાણંદ–ન્યૂ મકરપુરા (138 કિમી), ન્યૂ ઉમરગામ–ન્યૂ સફાળે (86 કિમી) અને ન્યૂ સફાળે–ન્યૂ JNPT (102 કિમી) દેશને સમર્પિત કરાશે.
નવા રેલવે ટ્રેક: ₹8,885 કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે 259 કિમી લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકનું ખાતમુહૂર્ત થશે.
નવી સેવાઓ: વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી પેસેન્જર ટ્રેન અને WDFC પર નવી માલગાડીને લીલી ઝંડી બતાવી રવાના કરાશે.
હાઇવે કનેક્ટિવિટી: NHAIના ₹1,840 કરોડથી વધુના રોડ-બ્રિજ પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં વાહનવ્યવહાર વધુ સરળ બનાવવા માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે:
ખાતમુહૂર્ત: NH-48 પર વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પર નવા પુલ નિર્માણ (₹907.39 કરોડ), કામરેજ-ચલથાણ સેક્શનના 6-માર્ગીય કેરેજવે (₹686.15 કરોડ) અને NH-53 પર આભવા, મીંઢોળા તથા ખજોદ જંક્શન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સ (₹187.11 કરોડ).
લોકાર્પણ: NH-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે ₹59.90 કરોડના ખર્ચે તૈયાર 6-માર્ગીય ફ્લાયઓવર વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે.
શહેરી વિકાસ અને વડોદરા શહેર માટે વિશેષ ભેટ
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹916.38 કરોડના 8 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે:
₹523.59 કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કા કામનું ખાતમુહૂર્ત.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની નવી અદ્યતન કચેરીનું ખાતમુહૂર્ત.
VUDA વિસ્તારના પૂર્વ ભાગના 11 ગામો માટે ₹203.77 કરોડની પીવાના પાણીની યોજનાઓ (ફિલ્ટર પ્લાન્ટ, સમ્પ, પમ્પિંગ સ્ટેશન) તથા આજવા સરોવર ખાતે 150 MLD ક્ષમતાના પોન્ટૂનનું લોકાર્પણ.
ભાયલી TP-3 અને TP-4માં નવી વોટર સપ્લાય સ્કીમ તથા શહેરમાં ડ્રેનેજ અને PMAY EWS મકાનોનું ઉદ્ઘાટન.
હરિત ઉર્જા, આવાસ અને અન્ય મહત્વપૂર્ણ વિકાસકાર્યો
ગ્રીન એનર્જી: મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય પર ₹489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત.
આવાસ યોજના: PMAY-ગામીણ હેઠળ ₹236.10 કરોડના ખર્ચે સમગ્ર રાજ્યમાં બનેલા 13,888 ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટેના ઘરોનું લોકાર્પણ.
નવા મેજર બ્રિજ: મહીસાગર નદી પર (₹150 કરોડ), વાત્રક નદી પર (₹74.10 કરોડ) અને નડિયાદ-ડાકોર-પાલી માર્ગ પર નવા પુલ.
અન્ય સુવિધાઓ: આણંદમાં નવું બસ સ્ટેન્ડ, સોનગઢમાં ₹214.52 કરોડની પાણી પુરવઠા યોજનાઓ, સાવલી GIDC અને ઝઘડિયા-કાંટિયાજળ પાઇપલાઇન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ.
વડોદરાના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ એરુ PHQ ખાતે વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે.
