અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી: ભૂતપૂર્વ CM વિજય રૂપાણીને યાદ કરી ભાવુક થયા પુત્ર ઋષભ, કહ્યું- પિતાના આદર્શો જ અમારી હિંમત

અમદાવાદ પ્લેન ક્રેશના એક વર્ષ પૂર્ણ: પૂર્વ CM વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પિતાને શ્રદ્ધાંજલિ આપી. રાજકીય ભવિષ્ય અને નવા 'વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન' વિશે કરી સ્પષ્ટતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 10 Jun 2026 06:24 AM (IST)Updated: Wed, 10 Jun 2026 06:24 AM (IST)
ahmedabad-plane-crash-first-anniversary-rishabh-rupani-statement

નરેન્દ્ર આહીર, અમદાવાદ:
12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી અને સમગ્ર દેશને હચમચાવી નાખનારી ભયાનક પ્લેન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 270 નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે, વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પિતાના સેવાકીય વારસાને આગળ ધપાવવા અને તેમના જીવનના આદર્શો અંગે ભાવુક સંવાદ કર્યો હતો.

"પિતાજીની શીખ જ અમારી હિંમત": ઋષભ રૂપાણી

શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ઋષભ રૂપાણીએ જણાવ્યું હતું કે, "આ આખું વર્ષ પરિવાર માટે અત્યંત પીડાદાયક રહ્યું છે. પિતાજીની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી, પરંતુ તેમની પાસેથી મળેલી 'કર્તવ્યપરાયણતા' અને 'સ્થિતપ્રજ્ઞતા'ની શીખ અમને આગળ વધવાની હિંમત આપે છે. સકારાત્મક રહીને નિષ્ઠાપૂર્વક કર્મ કરવું, એ જ તેમને સાચી અંજલિ છે."

naidunia_image

'વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન' દ્વારા સેવાનો સંકલ્પ

ઋષભ રૂપાણીએ પિતાના વારસાને જીવંત રાખવા માટે 'વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન'ની સ્થાપનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, "આ ફાઉન્ડેશન નવી પેઢીને માર્ગદર્શન, શિક્ષણ, મહિલા સ્વાસ્થ્ય અને સેવાકીય કાર્યોમાં યોગદાન આપશે. અમારું લક્ષ્ય છે કે 'સ્વ' નો વિચાર કર્યા પહેલા 'સર્વ'નો વિચાર કરવો."

naidunia_image

રાજકીય ભૂમિકા અને તપાસ પર સ્પષ્ટતા

રાજકીય ભવિષ્ય વિશેના પ્રશ્ન પર ઋષભ રૂપાણીએ સ્પષ્ટતા કરી કે, "હું બાળપણથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને મારું ઘર કાર્યકર્તાઓ માટે હંમેશા ખુલ્લું છે. જોકે, હાલમાં મારે કોઈ પણ રાજકીય પદ મેળવવાની કોઈ અપેક્ષા નથી."

પ્લેન ક્રેશની તપાસ અંગે તેમણે ઉમેર્યું કે, "મને સરકાર અને તપાસની સિસ્ટમ પર સંપૂર્ણ ભરોસો છે. તપાસ ચાલુ છે અને ફાઈનલ રિપોર્ટ આવવાનો બાકી હોવાથી હાલ કોઈ ટિપ્પણી કરવી અસ્થાને છે. મને શ્રદ્ધા છે કે રિપોર્ટ ટૂંક સમયમાં પબ્લિક ડોમેઈનમાં આવશે."