Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ) વનરાજ માંજરિયાનું હડકવાને કારણે દુઃખદ અવસાન થયું છે. થોડા સમય પહેલાં તેમને તેમના પાલતુ શ્વાનનો નખ વાગ્યો હતો, જેના કારણે તેમને હડકવા થયો હતો. આ અચાનક અને આઘાતજનક નિધનથી તેમના પરિવાર અને સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. અમદાવાદ શહેર પોલીસે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
હડકવા એક ઘાતક વાઇરસ છે જે ચેપગ્રસ્ત પ્રાણીની લાળમાં રહે છે. જ્યારે કોઈ પ્રાણી કરડે છે કે તેના નખ વાગે છે ત્યારે આ વાઇરસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશે છે. ત્યારબાદ તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને મગજ તેમજ કરોડરજ્જુ સુધી પહોંચે છે. આ પ્રક્રિયામાં ૩થી ૧૨ અઠવાડિયાનો સમય લાગી શકે છે, જેને 'ઇન્ક્યુબેશન પિરિયડ' કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ વાઇરસ મગજમાં પહોંચતા જ તેની અસર ઝડપથી ફેલાય છે અને દર્દીની સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે, જેના કારણે લકવો અને કોમા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો
હડકવાની ઘાતકતા એ છે કે જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે લાંબા ગાળે પણ અસર કરી શકે છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે, તેમાં હડકવાની અસર તરત દેખાતી નથી, પરંતુ ૨૫ વર્ષ પછી પણ જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે તે વાઇરસ ફરી સક્રિય થઈ શકે છે અને મૃત્યુનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે હડકવાના લક્ષણોને સમયસર ઓળખવા અને તાત્કાલિક સારવાર શરૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
થોડા વર્ષો પહેલાં હડકવાથી બચવા માટે રસીના ૧૪થી ૧૬ ડોઝ લેવા પડતા હતા, જે ખૂબ પીડાદાયક હતા. હવે વિકસિત થયેલી રસી વધુ સલામત છે અને તેમાં માત્ર ૫ ડોઝનો જ કોર્સ હોય છે. તેમ છતાં, ઘણા લોકો કોર્સ પૂરો કરતા નથી. ઘણા લોકોમાં યોગ્ય માહિતીનો અભાવ પણ હોય છે. આજે પણ કેટલાક લોકો કૂતરા કરડ્યા બાદ ઘા પર લાલ મરચું, ગાયનું છાણ કે કોફી પાવડર જેવી વસ્તુઓ લગાવે છે. આ ઘરેલુ ઉપચારો માત્ર બિનઅસરકારક જ નથી, પરંતુ ઘાને વધુ ગંભીર બનાવી શકે છે, તેથી આવા ઉપચારોથી દૂર રહેવું જોઈએ.
જો કોઈ અજાણ્યા કે જંગલી પ્રાણી દ્વારા કરડવામાં કે ખંજવાળ આવે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. પાલતુ શ્વાન કે બિલાડીને હડકવા વિરોધી રસી ન અપાઈ હોય અને તે કરડે તો પણ ડોક્ટરને મળવું જોઈએ. ૭૨ કલાકની અંદર હડકવા વિરોધી ઇન્જેક્શન લેવું અનિવાર્ય છે, કારણ કે મોડું થવાથી દવા અસર કરશે નહીં. ડોક્ટર સૌ પ્રથમ 'રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન'નો ડોઝ આપે છે અને ત્યારબાદ ૫ ડોઝનો રસીનો કોર્સ શરૂ કરવામાં આવે છે, જે ૨૮ દિવસ સુધી ચાલે છે. આ પગલાં વ્યક્તિને હડકવાથી બચાવી શકે છે.
