Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સનસનાટીભર્યો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં પાડોશમાં રહેતી એક મહિલાએ 14 વર્ષના માસમ બાળકને માત્ર 500ની લાલચ આપી તેના જ ઘરમાં લાખો રુપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી કરવા માટે પ્રેર્યો હતો. આ અંગે ઓઢવ પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ઓઢવ વિસ્તારમાં શાંતિસાર સોસાયટીમાં રહેતા અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતાં બ્રિજેશભાઈ યાદવના 14 વર્ષના દીકરાને પાડોશીમાં રહેતી એક મહિલાએ ફસાવ્યો હતો. ઓગસ્ટ માસમાં જ્યારે પરિવારે તેમની ઘરની તિજોરી તપાસી, તો કિમતી દાગીના ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. શરુઆતમાં ચોરી કોણે કરી તેની ભાળ મળી નહોતી. બીજા દિવસે જ્યારે દીકરો સ્કૂલે જવા નીકળ્યો ત્યારે અચાનક ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો, જ્યારે માતાપિતાએ પ્રેમથી બાળકની પૂછપરછ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
બાળકને લાલચ આપી
બાળકે માતાપિતાને જણાવ્યું કે, તેણે તેની સ્કૂલ બેગમાં ઘરની તિજોરીમાંથી કાઢેલું 3.6 તોલા સોનું અને 410 ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત આશરે 1.98 લાખ થાય છે. તે સંતાડીને પાડોશણને આપી દીધા હતા. ત્યારબાદ મહિલાએ બાળકને ટુકડે ટુકડે 75,500 આપ્યા હતા. જ્યારે આ અંગે પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે, મહિલા પાસેથી મળેલા 70 હજારમાંથૂી સેકન્ડ હેન્ડ ત્રણ સ્માર્ટ ફોન ખરીદ્યા હતા જ્યારે બાકીને 5 હજાર પરચૂરણ ખર્ચમાં વાપરી નાખ્યા હતા.
મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
ઘટનાનો ખુલાસો થતાં બાળકના પરિવારે મહિલા પાસે દાગીના પરત માગ્યા હતા. જોકે, મહિલાએ દાગીના સોની પાસે છે અને ટૂંકા ગાળામાં પાછા આપી દઈશ તેવા પોકળ દાવા કર્યા હતા. જેથી વધારે સમય વિતવા છતાં દાગીના કે કોઈ રકમ પાછી ન મળતા પિતાએ વકીલ દ્વારા ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. ઓઢવ પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
