Ahmedabad News: અમદાવાદ શહેરમાં ક્રાઈમનો ગ્રાફ ધીમે ધીમે વધી રહ્યો છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને હત્યા જેવા ગુનાઓમાં પણ કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોય તેવું જણાઈ રહ્યું છે.
અમદાવાદ શહેરના ઇસનપુરમાં સ્થિત તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં અજાણ્યા ઇસમો દ્વારા 21 વર્ષીય વિદ્યાર્થીને બોથડ પદાર્થ મારીને ઘાતકી હત્યા કરી દેવાઈ છે. વિદ્યાર્થીને નગ્ન અવસ્થામાં ફેંકી આરોપીઓ નાસી ગયા હતા. આ ઘટનાથી ચકચાર ફેલાઈ ગઈ છે.
વિદ્યાર્થીને ઢોર માર મારી ફેંકી દીધો
મળતી માહિતી મુજબ, ગોતા સ્થિત સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરતો મૂળ ભાવનગરનો રહેવાસી જીગર સોલંકી પોતાના મામા સાથે ઇસનપુર ખાતે રહેતો હતો. ગત 2 તારીખે યુવક પોતાના દોસ્તોને મળવા માટે નીકળ્યો હતો.જે બાદ યુવકને કેટલાક શખ્સોએ ક્રૂરતા પૂર્વક ઢોર માર માર્યો હતો. જે બાદ આરોપીઓએ ઇસનપુર ખાતે આવેલ તીર્થભૂમિ એપાર્ટમેન્ટ નજીક નગ્ન અવસ્થામાં ફેંકી દઈને નાસી ગયા હતા.
સારવાર દરમિયાન કરુણ મોત
ગંભીર રીતે ઈજાગ્રસ્ત છાત્રને હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અતિ ગંભીર રીતે ઈજા પહોંચી હોવાથી તેનું કરુણ મોત નિપજ્યું હતું. મામા હર્ષિતભાઈ વકીલે તાત્કાલિક આ અંગે ઈસનપુર પોલીસ મથકમાં આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી શરુ કરી દીધી છે.
