નિકોલના યુવકે ફેસબુક લાઈવ કર્યા બાદ કેનાલમાં લગાવી મોતની છલાંગ, બે ભાઈઓ સામે લગાવ્યા ગંભીર આરોપ

ઘટનાની જાણ થતા જ દહેગામ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 28 Jan 2026 08:36 AM (IST)Updated: Wed, 28 Jan 2026 08:36 AM (IST)
ahmedabad-nikol-youth-jumps-to-death-in-canal-after-going-live-on-facebook

Ahmedabad News: અમદાવાદના નિકોલમાં રહેતા ભાવેશ પટેલ નામના યુવકે દહેગામની ઝાક-જલુન્દ્રા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, યુવકે આ અંતિમ પગલું ભરતા પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ થઈને પોતાની આપવીતી જણાવી હતી અને બે વ્યક્તિઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

ફેસબુક લાઈવમાં બે ભાઈઓ પર કર્યા ગંભીર આક્ષેપ

ભાવેશ પટેલ પોતાની કાર લઈને કેનાલ પાસે પહોંચ્યો હતો. કેનાલમાં કૂદતા પહેલા તેણે કારમાં બેસીને લાઈવ વીડિયો કર્યો હતો. આ વીડિયોમાં તેણે સંજય બાલધા અને ગીરીશ બાલધા નામના બે ભાઈઓ સામે સનસનીખેજ આક્ષેપો કર્યા હતા. ભાવેશના જણાવ્યા મુજબ, પાણીનું બિલ ભરવા બાબતે અને પાણીનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને આ બંને ભાઈઓ તેને લાંબા સમયથી માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ ધમકીઓથી કંટાળીને તે જીવન ટૂંકાવી રહ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.

'મારા ગયા પછી આ બંને સામે કાર્યવાહી કરજો'

વીડિયોમાં ભાવેશ અત્યંત ભાવુક અવસ્થામાં જોવા મળ્યો હતો. તેણે પોલીસ તંત્રને નમ્ર અપીલ કરી હતી કે, તેના મૃત્યુ બાદ જવાબદાર બંને ભાઈઓ સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી તેને ન્યાય મળે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હડકંપ મચી ગયો હતો.

મોડી સાંજ સુધી શોધખોળ, પણ યુવકનો પત્તો નહીં

ઘટનાની જાણ થતા જ દહેગામ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બહીયલના સ્થાનિક તરવૈયાઓની મદદથી ઝાક-જલુન્દ્રાથી રાયપુર કેનાલ સુધીના અંદાજે બે કિલોમીટરના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

પોલીસનું શું કહેવું છે?

દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "અમને જાણકારી મળી છે કે નિકોલનો યુવક ફેસબુક લાઈવ કરીને કેનાલમાં પડ્યો છે. પરંતુ હજી સુધી તેની લાશ મળી નથી કે તેનો કોઈ પત્તો લાગ્યો નથી. તેથી પોલીસ ચોપડે અત્યારે કોઈ સત્તાવાર ફરિયાદ કે નોંધ દાખલ કરવામાં આવી નથી."

રાજકીય કનેક્શનની ચર્ચા

સ્થાનિક વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક ગુજરાત સરકારના એક મંત્રીનો સંબંધી છે. જોકે, પોલીસ કે પરિવાર તરફથી આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.