Ahmedabad: જૂહાપુરામાં નંબર પ્લેટ વિનાના ડમ્પરે મોપેડને ટક્કર મારતા ફંગોળાયેલા યુવકનું કમકમાટીભર્યું મોત

સ્થાનિકોનો આરોપ છે કે, જૂહાપુરા જેવા ગીચ વિસ્તારમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં દિવસના સમયે ભારે વાહનોને પસાર થવા દેવામાં આવી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Feb 2026 04:24 PM (IST)Updated: Sat, 21 Feb 2026 04:24 PM (IST)
ahmedabad-news-youth-killed-after-number-plate-less-dumper-hits-moped-in-juhapura
HIGHLIGHTS
  • જૂહાપુરાના રોયલ અકબર ટાવર નજીક અકસ્માત સર્જાયો
  • જોરદાર ટક્કરને પગલે મોપેડ ડમ્પરની નીચે ફસાઈ ગયું

Ahmedabad: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માંતેલા સાંઢની માફક રોડ પર દોડતા ડમ્પરથી સર્જાયેલા અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ શહેરના જૂહાપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં આજે વહેલી સવારે નંબર પ્લેટ વિનાના ડમ્પરે મોપેડને ઠોકર મારતાં નીચે પટકાયેલા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતા મુસ્તકીમ (22) આજે સવારના સમયે પોતાનું મોપેડ લઈને જૂહાપુરાના રોયલ અકબર ટાવર નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી પુરપાટ આવતા નંબર પ્લેટ વિનાના ડમ્પરે મોપેડને ટક્કર મારતા મુસ્તકિમ હવામાં ફૂટબોલ માફક ફંગોળાઈને નીચે પટકાયો હતો. જેમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા થતાં મુસ્તકીમનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતુ.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. નંબર પ્લેટ વિનાના ડમ્પરની ઠોકરે આશાસ્પદ યુવકના મોતને પગલે લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા લોકોની ફરિયાદ હતી કે, અનેકવાર રજૂઆત કરવા છતાં જૂહાપુરા જેવા અતિ ગીચ વિસ્તારમાં સવારના સમયે ભારે વાહનોને પસાર થવા દેવામાં આવી રહ્યા છે. જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે.

બીજી તરફ આ બનાવની જાણ થતાં એમ. ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ સાથે જ ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.