Ahmedabad: શહેરના સરસપુર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા મામલે બે જૂથના લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે શહેર કોટડા પોલીસે બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધીને 7 આરોપીઓની અટકાયત કરી છે.
ગીતો ધીમે વગાડવાનું કહેતા મામલો બિચક્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા વંદેમાતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાતે સાડા 11ના અરસાદમાં એક યુવતીના લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. જેમાં ડીજે પર ઊંચા અવાજે ગીતો વાગતા હોવાથી આસપાસના સ્થાનિકો પાર્ટીપ્લોટ પર એકઠા થઈ ગયા હતા. જેમણે ગીતો ધીમે વગાડવાનું કહેતા બન્ને જૂથના લોકો ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા.
આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તેમજ પાર્ટીપ્લોટની બહાર પાર્ક વાહનોમાં તોડફોડ કરી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં શહેર કોટડા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ભારે જહેમત બાદ મામલો થાળો પાડ્યો હતો.
હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી
આ મામલે બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 7 આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના પગલે હિન્દુ સંગઠનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે શહેર કોટડા પોલીસ સ્ટેશનની બહાર પરિવારના સભ્યોની સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરો ધરણાં પર બેસી ગયા હતા. આ દરમિયાન મહિલાઓ 'પોલીસ હાય હાય'ના બેનર પકડીને વિરોધ નોંધાવ્યો હતો.
