Ahmedabad News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી આતંક મચાવતા એક યુવકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ માથાભારે યુવક થાર કાર લઇને આવતો હતો અને સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાં તોડફોડ કરતો હતો. તેમજ આવતા જતા લોકો સાથે માથાકૂટ કરતો હતો. તાજેતરમાં પણ તેણે એએમસી સ્ટ્રીટ લાઇટના થાંભલામાં તોડફોડ કરી હતી. બનાવ અંગે સ્થાનિકોની રજૂઆત બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં યુવક આવ્યો હતો અને તેણે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટના થાંભલાઓમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી. તેમજ અન્ય એક ઘટનામાં રસ્તામાં એક વ્યક્તિને ફડાકા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. જેને લઇને સ્થાનિકો દ્વારા બોડકદેવ પોલીસ મથકે રજૂઆત કરી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા આકાશ ઠાકોર નામના શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર, આ પહેલા પણ આકાશ નામના આ યુવકે સોસાયટીમાં લોકોના ઘરે જઇને ધાકધમકીઓ આપી હતી અને ઝગડા કર્યા હતા. સોસાયટી બહાર પણ વાહનચાકલો સાથે માથાકૂટ કરી હતી. આકાશની આ હરકતોથી ભયભીત લોકો તેને રોકી શકતા ન હતા. તેણે સ્ટ્રીટ લાઇટના થાંભલામાં આગ લગાવી હતી અને સોસાયટીમાં પડી રહેલા ડ્રમને પણ સળગાવ્યું હતું. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા બોડકદેવ પોલીસને રજૂઆત કરી હતી.
બનાવ અંગે પોલીસે જણાવ્યા અનુસાર, સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી અરજી બાદ પોલીસ આકાશના ઘરે પહોંચી હતી. જ્યા જાણવા મળ્યું હતું કે, તે માનસિક રીતે અસ્થિર છે. તેના પરિવારજનો દ્વારા એ અંગેના કાગળો અને દવાઓ પણ બતાવી હતી. પોલીસ દ્વારા પરિવારને સમજાવવામાં આવ્યો હતો અને આકાશની અટકાયત કરવામાં આવી હતી.
