અમદાવાદની હોટલમાં યુવતી પર દુષ્કર્મઃ ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા ચેન્નઈના કાસિમે 10 દિવસ ગોંધી રાખીને શારીરિક શોષણ કર્યું

અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલા ચેન્નઈના યુવકે એક યુવતીને હોટલમાં 10 દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપી કાસિમ અન્સારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 15 Oct 2026 10:27 PM (IST)Updated: Thu, 15 Oct 2026 10:27 PM (IST)
ahmedabad-news-woman-raped-in-hotel-by-instagram-friend-kasim-hostage-for-10-days

Ahmedabad Hotel Rape Case: સોશિયલ મીડિયા થકી મિત્રતા કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનું વધુ એક ઉદાહરણ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યું છે. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલા ચેન્નઈના યુવકે અમદાવાદની યુવતીને હોટલમાં ગોંધી રાખીને તેની પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મારું બ્રેકઅપ થઈ ગયું, ગર્લફ્રેન્ડની જરૂર કહેતા યુવતીએ ફ્રેન્ડશિપ કરી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજથી છ મહિના પહેલા અમદાવાદમાં રહેતી 26 વર્ષીય યુવતી ઈન્સ્ટાગ્રામ થકી ચેન્નઈના કાસિમ અન્સારી નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. કાસિમે પોતાનું બ્રેકઅપ થઈ ગયું છે અને હવે પોતાને ગર્લફ્રેન્ડની જરૂર હોવાનું કહીને યુવતીને ફસાવી હતી. જે બાદ બન્ને વચ્ચે વાતચીત થતી હતી.

આ દરમિયાન ગત 3 ઓક્ટોબરે આરોપી યુવક અમદાવાદ આવ્યો હતો. જ્યાં તેણે મળવા બોલાવતા પીડિત યુવતી મળવા પહોંચી હતી. જે બાદ આરોપી યુવક યુવતીને લઈને ઓઢવની એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં રૂમમાં યુવકે યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો.

પીડિતાનો મોબાઈલ છીનવી લીધો અને 10 દિવસ હવસનો શિકાર બનાવી

જ્યારે યુવતીએ ઘરે જવા દેવાની વિનંતી કરી, ત્યારે યુવકે ના પાડી દીધી અને તેનો મોબાઈલ પણ લઈ લીધો હતો. 13 ઓક્ટોબર સુધી યુવતીને હોટલમાં રાખીને યુવક દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતુ.

બીજી તરફ દીકરીની કોઈ ભાળ ના મળતા પરિવારે પોલીસમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આખરે બે દિવસ પહેલા આરોપી યુવતીને ઘર નજીક છોડીને જતો રહ્યો હતો. જે બાદ ઘરે પહોંચેલી યુવતીએ પોતાના પરિવારજનોને આપવીતી જણાવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પરિવારે હિંમત આપતા યુવતીએ ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ કરીને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કાસિમની ધરપકડ કરીને તેનો મોબાઈલ જપ્ત કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં આરોપીના મોબાઈલમાંથી અલગ-અલગ 7 જેટલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેમજ તેણે અન્ય કોઈ યુવતીને પણ પોતાની હવસનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.