Ahmedabad: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં પતિને ધંધો કરવા માટે પિયરમાંથી 50 હજાર રૂપિયા ના લાવી શકનાર પત્નીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન 2016માં સુરત ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના 6 મહિના સુધી સાસરિયામાં પરીણિતાને સારી રીતે રાખવામાં આવી હતી. જે બાદ પતિ નાની-નાની વાતમાં પરીણિતા સાથે ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. જ્યારે પરીણિતા પોતાના સાસુ-સસરા સમક્ષ ફરિયાદ કરતી તો તેઓ પર તેની સાથે તકરાર કરતા હતા.
પતિને ધંધો કરવા માટે પૈસાની જરૂર પડતાં તેણે પરીણિતાને તેના પિતા પાસેથી 50 હજાર રૂપિયા લઈને લઈને આવવા જણાવ્યું હતુ. જો કે પરીણિતાએ ઈનકાર કરી દેતા પતિનો વ્યવહાર બદલાઈ ગયો હતો.
આટલું જ નહીં, પરીણિતા સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરતી હતી. જેની આવક તે પતિ સાથેના જોઈન્ટ એકાઉન્ટમાં જમા કરતી હતી. જે પૈસા પણ પીડિતાના પતિએ તેની જાણ બહાર ઉપાડી લીધા હતા. 2022માં તેનો પતિ પરીણિતાને તેના પિયર મૂકી ગયો હતો, જે બાદ હજુ સુધી લેવા નથી આવ્યો.
આ મામલે પીડિતાની ફરિયાદના આધારે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સમીરકુમાર, સાસુ રસીલાબેન અને સસરા વજુભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
