Ahmedabad: અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું (Vishv Umiya Dham) નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠનની ટીમ દ્વારા ભારત-અમેરિકા સહિત વિશ્વના 7 દેશના 151 સ્થળેથી કુલ 25,000 થી વધારે યુનિટ રક્તદાન એકત્રિત કરવાના સંકલ્પ સાથે 'ઇન્ટરનેશનલ મેગા બ્લડ ડોનેશન કેમ્પેન' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ઐતિહાસિક હાંસલ કરી છે.
મહત્વનું છે કે ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના 562 રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં આપેલ અપ્રતિમ યોગદાન, ત્યાગ અને સમર્પણને ઉજાગર કરવા તેમની 151 મી જન્મજયંતીના પાવન અવસરે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યરત 80થી વધુ પાટીદાર સંસ્થા અને સમાજના પ્રમુખ અને મંત્રીઓની એક બૃહદ મિટિંગનું આયોજન કરાયું હતું.
આ બેઠકમાં અંગે વાત કરતા પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે, વિશ્વ ઉમિયાધામ એ માત્ર મંદિર નથી સામાજિક શસક્તિકરણનું કેન્દ્ર છે. અહીં મંદિર સાથે સાથે હોસ્પિટલ અને હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લીધો છે. વિશ્વ ઉમિયાધામ મંદિર પરિસરમાં જ 700 કરોડના ખર્ચે 500થી વધુ બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે.
વિશ્વ ઉમિયાધામ હોસ્પિટલ સર્વ સમાજ માટે ઉપયોગી બનશે, તો સાથે સાથે વિશ્વઉમિયાધામ પરિસરમાં 2000 દીકરા-દીકરીઓની હોસ્ટેલનું નિર્માણ થશે. હોસ્ટેલના નિર્માણ સાથે સ્કિલ યુનિવર્સિટીનું પણ નિર્માણ થશે.
વધુમાં પ્રમુખે જણાવ્યું કે, સનાતન વૈદિક ધર્મ આધારિત ભારતીય સંસ્કૃતિના આદર્શોને આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના માધ્યમથી વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ - જાસપુર, અમદાવાદમાં વિશ્વની 'નવમી અજાયબી સમા જગતજનની મા ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ ગતિપૂર્વક ચાલી રહેલ છે, જે ધર્મ, શિક્ષણ, આરોગ્ય, યુવા અને મહિલા સશક્તિકરણનું કેન્દ્રબિંદુ છે.
