Navratri 2026: આદ્યશક્તિ જગદંબા માની આરાધનાનો પર્વ નવરાત્રિ આવી રહ્યો છે. ત્યારે ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે. પારંપરિક ગરબાની સરખામણીએ મોટા શહેરોમાં રમાતા ગરબાઓમાં ગરબાં આયોજકો દ્વારા સજાવટ, સ્ટેજ અને સાઉન્ડમાં જ નહીં પરંતુ હવે આમંત્રણ અને એન્ટ્રી પદ્ધતિમાં પણ સ્માર્ટ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગરબા પંડાલમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ
આ વર્ષે અમદાવાદ શહેરમાં વિવિધ સમાજો દ્વારા ગરબાનું આયોજન પરંપરાગત પેપર પાસ અને વ્યક્તિગત આમંત્રણોથી આગળ વધીને મોબાઈલ એપ, ડિજિટલ આમંત્રણો, QR કોડ વેરિફિકેશન સુધી પહોંચી ગયું છે. મોટા ગરબા આયોજનોમાં હવે ફેશિયલ રેકગ્નિશન અને ડાયનેમિક ક્યુઆર કોડનો ઉપયોગ શરુ થઈ ગયો છે. જેનાથી સુરક્ષા અને આયોજન વધારે સુદ્રઢ બની છે. સમાજો માટે હવે મોટો પડકાર માત્ર ભીડ એકઠી કરવાનો નથી, પરંતુ સભ્યો સુધી માહિતી ઝડપી પહોંચાડવી, એન્ટ્રી પોઇન્ટ પર વ્યવસ્થા જાળવવી અને સમગ્ર આયોજનને ટેક્નોલોજી દ્વારા સરળ બનાવવાનો છે.
કયા સમાજે ગરબામાં અપનાવી આધુનિક ટેકનોલોજી
- સ્થાનકવાસી જૈન લેડીઝ ક્લબ: મહિલા કેન્દ્રીત સામાજિક કમ્યુનિટી સાથે નવરાત્રીનું આયોજનસ કરી રહ્યા છે. જેમાં ક્લબની સભ્ય આધારિક પ્રવૃત્તિઓમાં જ ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ: તેમની પોતાની સમાજની ડિજિટલ એપના માધ્યમથી સભ્યોનો સીધો સંપર્ક અને કાર્યક્રમોની માહિતી પહોંચાડવાનું સફળ મોડેલ અપનાવ્યું છે.
- મોઢ વણિક સમાજ: તેઓ સમાજના પરિવારો અને યુવાનોને સામાજિક કાર્યક્રમો સાથે ડિજિટલ માધ્યમથી જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- વિશ્વ ઉમિયા ધામ, પટેલ સમાજ: છેલ્લા બે વર્ષથી સમાજના તમામ લોકોને ડિજિટલ આમંત્રણ આપી રહ્યા છે, જેનાથી એક જ માધ્યમથી મોટી સંખ્યામાં સભ્યોને માહિતી પહોંચાડી શકાય છે..
- બ્રહ્મ સમાજ: 10 ઓક્ટોબરથી ગરબા પાસનું વિતરણ શરૂ કરશે, જેથી નવરાત્રી પહેલા જ પાસ વ્યવસ્થાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તેઓ પરંપરાગત ગરબીની સાથે નવી પેઢીને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં તમામ સભ્યો ટ્રેડિશનલ ડ્રેસમાં ભાગ લેશે.,
- ખડાયતા પરિષદ: તેમની યુવા પાંખે ગરબા પાસ માટે વિશેષ એપ આધારિત વ્યવસ્થા ઊભી કરી છે જેમાં પરિવારની વિગતો, સભ્યોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન અને એન્ટ્રી સમયે QR કોડ વેરિફિકેશન જેવી અત્યાધુનિક સુવિધાઓ છે,
