ગુજરાતમાં એપ્રિલમાં અષાઢી માહોલઃ અમદાવાદ સહિત 7 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદનું ઑરેન્જ એલર્ટ

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 19 જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવનાને જોતા યેલો એલર્ટ આપવામાં આવ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Apr 2026 07:30 PM (IST)Updated: Fri, 03 Apr 2026 07:31 PM (IST)
ahmedabad-news-unseasonal-rain-hits-gujarat-orange-alert-in-7-districts-with-thunderstorm-warning
HIGHLIGHTS
  • અરવલ્લી, ખેડા, દાહોદ, પંચમહાલમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે
  • 41 થી 61 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે

Ahmedabad: ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની જગ્યાએ ચોમાસા જેવો માહોલ છવાઈ રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાકભાગોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જે બાદ આજે પણ રાજ્યના અનેક ભાગોમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની લેટેસ્ટ નાઉકાસ્ટ બુલેટિનમાં જણાવ્યા પ્રમાણે, આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે.

કયા જિલ્લાઓમાં કરા સાથે વરસાદની આગાહી?

હવામાન વિભાગની આગાહી મુજબ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 5 થી 15 મિમી જેટલો વરસાદ વરસી શકે છે. આ ભાગોમાં મિની વાવાઝોડા સાથે પવનની ગતિ 41 થી 61 કિમી પ્રતિ કલાક (ઝટકા સાથે) રહેવાની અને કરા પણ પડી શકે છે. જ્યારે વીજળી પડવાની સંભાવના 30 થી 60 ટકા જેટલી રહેલી છે

આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. આ બંને શહેરોમાં 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે. જેના પગલે આ 7 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઑરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં હળવો વરસાદ (5 મીમીથી ઓછો) થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આમ 19 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.