Ahmedabad: શહેરના બોપલ વિસ્તારમાં નશાની હાલતમાં પોલીસ પકડથી બચવા જતાં ચોથા માળેથી પટકાયેલા કુખ્યાત હિસ્ટ્રીશીટર મહાવીરસિંહ સિંધવનું મોત નિપજ્યું છે. આ મામલે બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નશાની હાલતમાં મહાવીરસિંહે ધમાલ મચાવતા રહીશોએ પોલીસ બોલાવી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામનો મહાવીરસિંહ સિંધવ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ખાતે રહેવા માટે આવ્યો હતો.
ગઈકાલે મોડી રાતે મહાવીરસિંહે નશામાં ધૂત થઈને અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં ધમાલ મચાવી હતી. ચિક્કાર પીધેલા મહાવીરસિંહે ફ્લેટના રહીશો સાથે ઝપાઝપી કરતાં સ્થાનકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસની PCR વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસની બચવા ભાગતી વખતે મહાવીરસિંહનો પગ લપસ્યો
પોલીસ આવી હોવાની જાણ થતાં મહાવીરસિંહ પોલીસ પકડથી બચવા માટે ભાગ્યો હતો. આ દરમિયાન ચોથા માળની અગાસીમાં પહોંચતા જ મહાવીરસિંહનો પગ લપસ્યો હતો. નશાની હાલતમાં હોવાથી મહાવીરસિંહે સંતુલન ગુમાવ્યું હતુ અને ચોથા માળની બાલ્કનીમાંથી સીથો નીચે પટકાયો હતો. આટલી ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે મહાવીરસિંહને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતુ. હાલ તો પોલીસે મહાવીરસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક મહાવીરસિંહ ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યો છે. વર્ષ 2020માં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને રાજભા ગઢવીના મોરબીના ટીકર ગામમાં આયોજિત ડાયરાના કાર્યક્રમમાં એકસાથે 10 જેટલી બ્લેક કલરની સ્કોર્પિયો કાર સાથે એન્ટ્રી મારીને મહાવીરસિંહ ચર્ચામાં આવ્યો હતો. આટલું જ નહીં, મહાવીરસિંહે બન્ને કલાકારો ઉપર લાખો રૂપિયાની નોટોનો વરસાદ પણ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
મહાવીરસિંહના તાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની પણ આશંકા છે. 2023માં સુરેન્દ્રનગરના એક ફ્લેટમાંથી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો, તેમાં પણ મહાવીરસિંહ સિંધવનું નામ ઉછળ્યું હતુ.
