Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ગત 23 ફેબ્રુઆરી, 2026ના રોજ RSS સંબંધિત કાર્યક્રમનો વિરોધ કરી પોસ્ટરો ફાડનારા NSUIના કાર્યકર્તાઓ સામે યુનિવર્સિટી તંત્રએ કડક પગલાં લીધા છે. યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે, સાથે જ વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાની અને કેમ્પસમાં પ્રવેશબંધીની સૂચના કુલપતિએ આપી છે.
યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટરમાં ભારત શોધ સંસ્થાન અને ભારતીય વિચાર મંચના સહયોગથી પ્રમાણભૂત સંશોધન દસ્તાવેજોના પેનલની એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ આ પ્રદર્શનીનો વિરોધ નોંધાવતા સેન્ટરમાં લગાવેલા પોસ્ટરો ફાડ્યા હતા. NSUIએ આક્ષેપ કર્યો હતો કે RSSના પ્રભાવથી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.
પોસ્ટરો ફાડીને વિરોધ પ્રદર્શન કરનારા તમામ વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટી પોલીસ ફરિયાદ નોંધાવવા સક્રિય બની છે. કુલપતિએ સ્પષ્ટ આદેશ કર્યો છે કે વિરોધ પ્રદર્શનમાં દેખાતા અને તપાસમાં મળી આવતા તમામ લોકોને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવશે અને તેમના એડમિશન પણ રદ કરવામાં આવશે.
યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એક પત્રમાં જણાવાયું છે કે 23મી ફેબ્રુઆરીએ અટલ કલામ ખાતે ભારત માતા, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વીર સાવરકર સહિતના ભારતના વીર પુરુષોની પ્રદર્શની હતી. આ ઘટનાને યુનિવર્સિટીએ 'વીર પુરુષોનું અપમાન' અને 'હિન્દુઓની લાગણી દુભાય તેવી ઘટના' ગણાવી છે. કુલપતિએ આ ઘટનામાં સંડોવાયેલા તમામ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીએ ચિરાગ દરજી, નારાયણ ભરવાડ, યશરાજસિંહ ખેર, શિવરાજસિંહ બારડ, સંજય સોલંકી, મીત પનારા, કશિશ ડામોર, હર્ષ ચૌહાણ, પૃથ્વી દેસાઈ સહિત તપાસમાં જેમના નામ સામે આવે તેવા તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધીનો નિર્ણય લીધો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે હવે આઇડેન્ટિટી કાર્ડ ચેક કર્યા વિના કોઈને પણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
