Ahmedabad: નવા વર્ષના આગમને જ મોંઘવારીનો મારઃ ગુજરાત એસ.ટી બસના ભાડામાં 3 ટકાનો વધારો, 27 લાખથી વધુ મુસાફરોને અસર

GSRTC દ્વારા ટૂંક સમયમાં 3084 એસ.ટી બસ ડ્રાઈવરો તેમજ 1658 હેલ્પરોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરાશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 31 Dec 2025 07:42 PM (IST)Updated: Wed 31 Dec 2025 08:20 PM (IST)
ahmedabad-news-st-bus-fare-hike-3-per-cent-from-night-by-gsrtc-665654
HIGHLIGHTS
  • આજે મોડી રાતથી જ નવો ભાવ વધારો અમલી બનશે
  • 9 કિમી સુધીની લોકલ મુસાફરી માટે કોઈ ભાડા વધારો નહીં

ST Bus Fare Hike, Ahmedabad: GSRTC ગુજરાતના નાગરિકોને નવા વર્ષે જ મોંઘવારીનો માર સહન કરવો પડશે. હકીકતમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા એસ.ટી. બસના ભાડામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાડા વધારો આજે રાતે 12 વાગ્યા પછી અમલી થઈ જશે.

GSRTC દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો પ્રમાણે, લોકલ સર્વિસમાં મુસાફરી કરતા 85% મુસાફરો જેઓ સામાન્ય રીતે 48 કિ.મી. સુધીની મુસાફરી કરે છે, તેમને આ વધારાની નહિવત અસર થશે. 9 કિલોમીટર સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે 10 થી 60 કિલોમીટર સુધીની મુસાફરી કરનારા મુસાફરો માટે માત્ર રૂ. 1/- નો નજીવો વધારો થશે.

ગુજરાતના પાડોશી રાજ્યો કરતાં એસ.ટી બસનું ભાડુ ઓછું
GSRTCના જણાવ્યા અનુસાર, આ વધારા બાદ પણ ગુજરાતમાં એસ.ટી.નું ભાડું અન્ય પાડોશી રાજ્યો કરતા ઓછું છે. લોકલ સર્વિસમાં પ્રતિ કિ.મી. સીટ દીઠ ભાડાની સરખામણી પર નજર કરીએ તો, મહારાષ્ટ્રમાં લોકસ અને એક્સપ્રેસ સર્વિસમાં 1.68 રૂપિયા, રાજસ્થાનમાં લોકલમાં 1 રૂપિયો અને એક્સપ્રેસમાં 1.10 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડુ છે. જેની સરખામણીમાં ગુજરાતમાં લોકલ સર્વિસમાં 0.91 અને એક્સપ્રેસમાં 0.97 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડુ થઈ જશે.

એસ.ટી. નિગમ આગામી વર્ષે વધુ 2026 જેટલી નવી બસો સેવામાં લાવવાનું આયોજન કરી રહી છે. આ સાથે જ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં 7500 નવા સ્માર્ટ ETM મશીનો પણ કાર્યરત કરવાનું છે.

બસમાં પ્રવાસ કરતાં મુસાફરોની સુવિધા ખાતર તાજેતરમાં જ એસ.ટી નિગમ દ્વારા 2320 કંડક્ટરોની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ટૂંક સમયમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પરોની ભરતી માટેની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે.