Ahmedabad: શહેરના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પ્રદૂષિત પાણીના વપરાશથી સ્થાનિક રહીશો બીમાર પડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં નર્મદાના પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થઈ જતાં રહીશોને ઝાડા-ઉલ્ટી અને પેટ સબંધિત બીમારીઓએ અજગરી ભરડો લીધો હોવાની સ્થાનિકોની રાવ છે.
અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા નહીં
પ્રાથમિક અંદાજ અનુસાર, આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા 500થી વધુ લોકો બીમારીઓનો ભોગ બન્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક પરિવારોના સભ્યો વારાફરતી બીમાર પડતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા પ્રસરી જવા પામી છે.
સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, છેલ્લા ઘણાં સમયથી સમગ્ર વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે. જેને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુથી કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.
પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજનું પાણી ભળી જવાથી પ્રદૂષિત બનેલા પાણીનો ઉપયોગ કરનાર અનેક લોકોને ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, તેવા બાળકો અને વયસ્કોને સૌથી વધારે અસર જોવા મળી રહી છે. સ્થાનિક રહીશોએ આ માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
બીજી તરફ ઘટનાની ગંભીરતાને અમદાવાદના મેયર સહિત કોર્પોરેશનની મેડિકલ ટીમ સહિતનો કાફલો આકાંક્ષા એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં મેડિકલની ટીમ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે મેયરે પરિસ્થિતિનો તાગ મેળવીને જે-તે વિભાગને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.
