Ahmedabad News: આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. જગતના નાથ જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નવા રથમાં નગરચર્યાએ નીકળ્યા છે. બપોરે ભગવાન જગન્નાથજી મોસાળ સરસપુર પહોંચ્યા છે. મોસાળમાં ભગવાનનું સ્વાગત કરવા ભક્તોમાં અનેરો ઉમળકો જોવા મળ્યો હતો.
માહિતી મળી રહી છે કે, દરિયાપુરથી શાહપુર જતા કડિયાનાકા પાસે સ્લેબ પડ્યો છે. આ ઘટનામાં 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કમિશનરે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. 3 લોકો સ્લેબની ઉપર ઊભા હતા. એ સ્લેબ તૂટતા નીચે ઊભેલાં લોકો પર પડ્યો હતો, જેમાં કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હોવાની જાણકારી મળી રહી છે.
ઝોન 4ના DCP ડો. કાનન દેસાઈએ જણાવ્યું કે, કડિયાનાકા પાસે એક જૂના મકાનના સ્લેબ પર માલિક સહિત 3 લોકો રથયાત્રાના દર્શન માટે ઉભા હતા. ત્યારે એ સ્લેબની ગેલેરી નીચે પડતા 3 લોકો સહિત નીચે ઉભા રહેલા લોકોને પણ ઈજા પહોંચી છે. કુલ 8 લોકોને ઈજા પહોંચી છે, એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. કોઈ જાનહાની થઈ નથી. તમામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એક બાળક પણ ઈજાગ્રસ્ત થયો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
